ટેસ્ટમાં રોહિત પછી કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન? આ ત્રણ ખેલાડીઓના નામની ચર્ચા સૌથી વધુ…

ટેસ્ટ સીરીઝની બીજી મેચ હાર્યા બાદ હાલ ચર્ચા ચાલી રહી છે કે રોહિત શર્મા બાદ કયો ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે? હાલ ટીમમાં ત્રણ એવા ખેલાડી છે જે ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્માની જગ્યા પર કેપ્ટન બની શકે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચ પણ કિવી ટીમે 113 રને જીતી લીધી છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડની ટીમે 2-0ની લીડ પણ મેળવી લીધી છે. બેંગલુરુ ટેસ્ટની જેમ આ મેચમાં પણ નબળી બેટિંગ ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ બની હતી.

એવામાં હવે એ ચર્ચા ઉઠી છે કે રોહિત શર્મા બાદ કયો ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે? જાણીતું છે કે રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયો છે અને તેના માટે લાંબા સમય સુધી કેપ્ટન રહેવું ઘણું મુશ્કેલ છે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલમાં પહોંચે છે, તો આ ટાઇટલ મેચ પછી રોહિત શર્મા સંન્યાસ લઈ શકે છે.

હાલ ટીમમાં ત્રણ એવા ખેલાડી છે જે ટેસ્ટ ફોર્મેટમાં રોહિત શર્મા બાદ કેપ્ટન બની શકે છે. જેમાં સૌથી પહેલો દાવેદાર છે ઋષભ પંત. ટેસ્ટ ફોર્મેટમાં બેટ્સમેન અને વિકેટકીપર તરીકે પંતનો અદભૂત અને ઉત્તમ રેકોર્ડ છે. પંતે ભારત માટે 37 ટેસ્ટ મેચોમાં 43.54ની શાનદાર એવરેજથી 2569 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 12 અડધી સદી ફટકારી છે.

બીજો દાવેદાર છે શુભમન ગિલ, લોકો કહે છે કે તેની બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગની ઝલક જોવા મળે છે. સાથે જ શુભમન ગિલને પહેલા જ ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલે ભારત માટે અત્યાર સુધી 28 ટેસ્ટ મેચોમાં 1709 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 6 અડધી સદી સામેલ છે.

રોહિત બાદ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન બનવા માટે ત્રીજો દાવેદાર છે જસપ્રીત બુમરાહ. ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. બુમરાહે 40 ટેસ્ટ મેચમાં 173 વિકેટ લીધી છે અને ટેસ્ટ ક્રિકેટમાં 10 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. સાથે જ જસપ્રીત બુમરાહે 89 ODI મેચમાં 149 વિકેટ અને 70 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 89 વિકેટ લીધી છે.

જો આપણે હાલ રમાયેલ બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 156 રન જ બનાવી શકી હતી અને કીવી ટીમે 103 રનની લીડ મેળવી હતી. આ પછી ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયા તમામ વિકેટ ગુમાવીને માત્ર 245 રન જ બનાવી શકી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.