પોલીસની ક્રૂરતા, ઠાસરાના નનાદરા ગામમાં દૂધ લેવા જતી વૃદ્ધાને માર મારતા ફ્રેકચર થયું

ઠાસરા તાલુકાના છેવાડાના ગામે દૂધ લેવા જતી એક વયોવૃધ્ધ મહિલા પર પોલીસ કર્મચારીઓએે લાઠી ચાર્જ કરતા હાથે ફેકચર થયુ ંહતુ.આ મહિલાના પરિવારમાં પતિ અને પુત્ર બંને દિવ્યાંગ છે.વળી મહિલા પાસે પૂરતા પૈસા ન હોવાથી હોસ્પિટલે પણ પૈસાની સગવડ થાય ત્યારે ઓપરેશન કરી આપીશુ તેમ કહી વૃદ્ધાને રવાના કરી દીધી હતી. આ વૃદ્ધાના પરિવાર પર અચાનક આભ તૂટી પડયું છે. લોકડાઉનના સમયમાં ઓપરેશન માટે બીજો કોઇ વિકલ્પ ન હોવાથી અત્યારે તો આખો પરિવાર દિવ્યાંગ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના નનાદરા ગામે તા.૫-૪-૨૦૨૦ ના રોજ ગામમાં રહેતા ૬૫ વર્ષિય શાંતાબેન પૂનમભાઇ સેનવા  સાંજે ૬ઃ૦૦ કલાકે ગામની ડેરીમાં દુધ લેવા માટે ગયા હતા.આ સમયે ઠાસરાના તાલુકાના ચેતરસૂંબા હોમબીટના જમાદાર મેહુલભાઇ અને બીજા હોમગાર્ડના જવાનો એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્તમાં હતા. તેમને જમાદારની હાજરીમાં જ શાંતાબેનને કાંઇપણ પૂછ્યાવગર તેમના પર લાઠી ચાર્જ કરતા વૃધ્ધ શાંતાબેન રસ્તા પર પડી ગયા હતા અને જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી.  જો કે પોલીસના મારની બીકે શાંતાબેન તરત જ રડતા રડતા ઉભા થઇ પોતાના ઘર સેનવાવાસમાં જતા રહ્યા હતા.

સેનવા સમાજના લોકોને આ બનાવની જાણ થતા તેઓ તરત જ  શાંતાબેનની મદદે દોડી આવ્યા હતા.રાત્રે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી શાંતાબેનને બાલાસિનોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબે જમણા હાથ ઉપરનો સોજો જોઇને એકસ-રે કરાવ્યો હતો.જેમાં શાંતાબેનના જમણા હાથના કાંડામાં ત્રણ ફેકચર હોવાનુ બહાર આવ્યુ હતુ.આથી હોસ્પિટલે તેમને ઓપરેશન કરવાનું જણાવી તુરત જ રૃા.૧૫,૦૦૦ ભરવા કહ્યુ ંહતું અને જણાવેલ કે પૈસા ભરાશે તો જ   ઓપરેશન કરવામાં આવશે.

આ સાંભળીને તો શાંતાબેનના હોશ જ ઉડી ગયા હતા. કારણ કે ઘરમાં તેમના પતિ અને પુત્ર ંબંને દિવ્યાંગ છે. અને જ્યારે પરિવારમાં બે ટંક ખાવાના સાંસા હોય ત્યાં આટલા બધા પૈસા ક્યાંથી લાવવા?આથી તેમને પૈસા ન હોવાનુ જણાવતા ફરજ પરના તબીબે દવા આપી હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.અને જણાવ્યુ હતુ કે પૈસાની સગવડ થાય ત્યારે આવજો. આ સાંભળી નનાદરાનો આ પરિવાર લાચાર બની ઘરે પરત ફર્યો હતો.

મજૂરી કરી પરિવારને નિભાવતી વૃદ્ધા હવે કામ કેવી રીતે કરશે ?

નનાદરાના સેનવા સમાજના વયોવૃધ્ધ શાંતાબેન ઘરમાં બે માણસોનો આઘાર હતો.શાંતાબેનના પતિ પૂનમભાઇ ઉં.૭૦ પ્રજ્ઞાાચશુ(અંઘ) અને અપંગ (દિવ્યાંગ)છે.એ જ રીતે તેમના દિકરો પણ અપંગ (દિવ્યાંગ)છે.વૃધ્ધ મહિલા મહેનત મજૂરી કરી ઘરના સભ્યોનું ગુજરાન પુરુ પાડતા હતા.હવે પોલીસના લાઠી ચાર્જથી હાથનુ કાંડુ તુટી જતા પરિવાર બિલકુલ લાચાર બની ગયો છે.

પીએસઆઈ કહે છે, ટોળા ભેગા થતા લાઠીચાર્જ કરવો પડેલો

આ બનાવ અંગે ઠાસરા પોલીસ સ્ટેશનના સિ.પો.સ.ઇ એચ.આર.પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે,આ બનાવ અંગે ગામના સરપંચ પ્રવિણભાઇ સાથે ચર્ચા કરી છે.અને ગામમાં વધુ ટોળા ભેગા થતા પોલીસે લાઠી ચાર્જ કરતા વૃધ્ધ માજી અડફેટે આવી જતા જમીન પર પડી ગયા હશે.જેથી તેમને ફેકચર આવ્યુ હશે.આ ઉપરાંત તેમણે  એવો પ્રતિઆક્ષેપ કર્યો હતો કે આવા સમયે ઘણાં લોકો પોલીસને જ ટાર્ગેટ બનાવતા હોય છે જે બરાબર નથી.

લોકડાઉનનો અમલ ચાલુ છે, લાઠીચાર્જ નથી લાગતો : સરપંચ

ઠાસરા તાલુકાના નનાદરા સરપંચ પ્રવિણભાઇ પરમારનો ટેલિફોનિંક સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે સરકારના આદેશ પ્રમાણે ગામમાં લોકડાઉનનો અમલ ચૂસ્તપણે કરવામાં આવી રહ્યો છે.ગામનો એક પણ ગલ્લો કે દુકાન ખુલ્લી રાખવામાં આવતી નથી.જેથી ગામમાં ટોળા જોવા મળતા જ નથી. જેથી લાઠી ચાર્જ થયો હોવાનું લાગતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.