દારૂ પીને પકડાયેલાને 6 મહિનાની જેલ વધુ પડતી છે એવું જણાવી કોર્ટે સજામાં ઘટાડો કર્યો

દારૂ પીવાના એક કેસમાં ગાંધીનગરની કોર્ટે આદેશ આપ્યો હતો કે 6 મહિનાની સજા વધારે પડતી છે તેને ઘટાડીને 10 અને 15 દિવસ કરવામાં આવે.

આ કેસની વાત કરીએ તો વર્ષ 2015ની સાલમાં અમિત મહેતા, 49 નામની વ્યક્તિને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડી હતી. આ વ્યક્તિ ઉપર જાહેર જગ્યાએ ન્યૂસન્સનો કેસ પણ કર્યો હતો. આ ઘટના હતી 14 માર્ચની. ત્યારપછી પોલીસે ફરી આ જ વ્યક્તિને 12 જૂનના દિવસે પીધેલી હાલતમાં પકડીને કેસ કર્યો હતો. આમ તેની પર બે વાર કેસ કરાયો હતો.

આ કેસની સુનાવણી પહેલા મેજેસ્ટેરિયલ કોર્ટમાં કરવામાં આવી હતી. જાહેર જગ્યા પર ન્યૂસન્સની વાત તો સાબિત થઇ ન હતી પરંતુ દારૂ પીવાના બન્ને કેસ સાબિત થતા એપ્રિલ 2018માં અમિત મહેતાને કોર્ટ દ્વારા 6 મહિનાની જેલની સજા ફટકારી હતી.

આ સજાની સામે મહેતાએ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ ચાલ્યો અને હાલમાં જ કોર્ટે ચુકાદો આપ્યો. ગાંધીનગરની સેશન્સ કોર્ટએ આપેલા ચુકાદામાં જણાવામાં આવ્યું છે કે આ કેસમાં 6 મહિનાની સજા જે અપાઇ છે તે વધુ પડતી છે. આરોપીને 6 મહિના સુધી જેલની અંદર રાખવાની જરૂર નથી. એટલે તેમને બન્ને કેસમાં ક્રમશઃ 10 અને 15 દિવસની જેલની સજાનો હુકમ કર્યો હતો.

કોર્ટે નોંધ્યું કે આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી. દારૂ પીવા બદલ 6 મહિનાની સજા વધુ પડતી છે. એટલે આગલી કોર્ટના ચુકાદાના ફેરવીનો દોષિતને 10 દિવસ અને 15 દિવસની સજા આપવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં પોલીસે પ્રોહિબિશન એક્ટરની સેક્શન 66(1) (બી) અને 85(1)(3) કેસ નોંધવાના આવ્યો હતો. ગુજરાતના નશાબંધીના કાયદા મુજબ કોઇ વ્યક્તિ પહેલીવાર દારૂ પીતા પકડાય તો તેને વધુમાં વધુ 6 મહિનાની સજા અને રૂ. 1000ના દંડનો પ્રાવધાન છે. તો બીજીવાર પકડાય તો 2 વર્ષ સુધીની સજા અને રૂ. 2000ના દંડનો પ્રાવધાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.