આજે બુધવારે સવારે તમિલનાડુમાં આવેલા કુન્નુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર Mi-17V-5 ક્રેશ થયું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 14 લોકો આ ચોપરમાં મુસાફરી કરી રહ્યાં હતાં. હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના સુલુર બેઝથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ કોલેજ (DSC) જઈ રહ્યું હતું. આ અકસ્માત ગાઢ ધુમ્મસ વચ્ચે નંજપ્પનચાથિરમ વિસ્તારમાં થયો હતો અને દ્રશ્યોમાં હેલિકોપ્ટરમાં આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.
Mi શ્રેણીનું આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે અત્યંત અત્યાધુનિક છે અને મોટા ભાગે વડાપ્રધાન (PM), સંરક્ષણ મંત્રી, CDS, આર્મી ચીફ જેવા VVIP તેમાં જ મુસાફરી કરતા હોય છે.આ હેલિકોપ્ટરનું ક્રેશ એ પણ આશ્ચર્યજનક છે કારણ કે તેમાં બે એન્જીન છે, જેથી એક એન્જીન ફેલ થાય તો પણ તે બીજા એન્જીન સાથે સુરક્ષિત રીતે ઉતરી શકે છે. તે સિયાચીન જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉડવામાં સક્ષમ છે. વિશ્વના સૌથી અદ્યતન મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરમાં સામેલ આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે.
રશિયન હેલિકોપ્ટરની પેટાકંપની કઝાન હેલિકોપ્ટર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ હેલિકોપ્ટરની ખરીદી ડિસેમ્બર 2008માં કરવામાં આવી હતી અને 2013માં ડિલિવરી કરવામાં આવી હતી. આ હેલિકોપ્ટરને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય અને સમુદ્રી આબોહવા તેમજ રણની સ્થિતિમાં ઉડી શકે છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 13,000 કિગ્રા છે. તે 36 સશસ્ત્ર સૈનિકો અથવા 4,500 કિલો વજન સાથે ઉડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.