લોકડાયરામાં ક્ષમા, માફી અને ઘૂંટડા પીવાની મોટી મોટી વાતો કરનાર કહેવાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની અસલી માનસિકતા હવે સામે આવી ગઈ છે અને એક રીઢા ગુંડાની જેમ બેરહેમી પૂર્વક તેણે તેના સાગરીતો સાથે મળી સર્વેશ્વર ચોકમાં બિલ્ડર યુવક પર જે રીતે ધોકા-પાઇપથી હિચકારો હુમલો કર્યો તે જોઈ લોકો સમસમી ગયા છે તેમજ તેનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
હુમલામાં ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ સામે ફરિયાદ કરતા તેની અને તેના સાગરીતો સામે ગુનો નોંધાતા તે હવે ઘરને તાળું મારી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને મોબાઈલ બંધ કરી દીધો છે અને ત્યારે આ ઘટનાના 48 કલાક બાદ પણ દેવયતની ધરપકડ ન થતા ઈજાગ્રસ્ત યુવકની માતાએ ક્ષત્રિય સમાજની બહેનો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે જઈ દેવાયત સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ભોગબનનાર યુવક મયુરસિંહ રાણાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે,દેવાયત ખવડની ધરપકડ કરી અને તેનું સરઘસ કાઢવું જોઈએ જેથી સમાજમાં આ પ્રકારનો ગુનો કરતા ગુનેગારો સો વખત વિચાર કરે અને તેણે કરેલા કર્મનું ફળ કાયદેસર રીતે મળવું જોઈએ.
બુધવારે મયૂરસિંહ પોતાની ઓફિસેથી કુવાડવા સાઇટ પર જવા માટે ઓફિસેથી નીકળ્યા હતા અને તે સાથે જ દેવાયત સાગરીતો સાથે ધસી ગયો હતો.
હુમલાખોર દેવાયતે મયૂરસિંહની રેકી કરાવ્યાની પણ શંકા સેવાઇ રહી છે અને ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દેવાયતે હુમલો કરતા મયુરસિંહ ઢળી પડ્યા હતા અને ભાગતી વખતે દેવાયતે હાથ ઊંચો કરીને પાછા જતા રહેવાનો ઇશારો પણ કર્યો હતો. આમ હુમલાના કાવતરામાં અન્ય શખ્સોની સંડોવણીની શંકા સેવાઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.