ગુજરાતમાં આવનારા પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી આ શહેરોમાં જોવા મળશે હીટવેવની અસર

ઉનાળાના આકરા દિવસો શરૂ થઈ ગયા છે. સમગ્ર ગુજરાતમાં દરિયાકિનારાના શહેરને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં આકરો તાપ લાગી રહ્યો છે. બપોરના સમયે નાના શહેરમાં કુદરતી કર્ફ્યૂ લાગી જાય છે. ત્યારે તાપમાનનો પારો વધું ઊંચો જાય એવા એંધાણ છે. સોમવારે અમદાવાદ શહેરનું તાપમાન 43.2 ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ સિટી બની ગયું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો 42.5 ડિગ્રી સુધી રહ્યો હતો. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આવનારા પાંચ દિવસોમાં વાતાવરણ હજુ સુષ્ક બની જશે. મંગળવારથી આવનારા પાંચ દિવસોમાં ભયંકર હીટવેવ શરૂ થશે. મંગળવારે અને બુધવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એની અસર વર્તાશે. બાકીના બે દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભયંકર ગરમી પડશે.અને જેના કારણે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે છે.

આવનારા એક અઠવાડિયા સુધી લોકોને ગરમીમાંથી રાહત મળે એવા કોઈ વાવડ નથી. બપોરના સમયે તો રીતસર જાણે અગનવર્ષા થઈ રહી હોય એવો અહેસાસ લોકોને થાય છે. ગરમ અને સુકા પવનોએ જનજીવન પર માઠી અસર ઊભી કરી છે. લોકો દિવસના સમયે બહાર નીકળવાનું ટાળે છે. ખાસ કરીને બપોરના સમયે ન છૂટકે જવું પડે તો જ બહાર નીકળે છે. જેના કારણે ટ્રાફિક હળવો થાય છે. રસ્તાઓ ખાલીખમ જોવા મળે છે. જ્યારે સાંજના સાત વાગ્યા બાદ આંશિક રાહત મળતા લોકો બહાર નીકળે છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, વલસાડ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, અમદાવાદ તેમજ મોરબી સહિતના શહેરમાં હીટવેવની અસર વર્તાશે. જોકે, રાજકોટ જેવા મહાનગરમાં બપોરના સમયે મુખ્ય રસ્તાઓને બાદ કરતા શેરી-ગલીઓમાં કુદરતી કર્ફ્યૂં જોવા મળે છે.અને લોકો બપોરના 11 વાગ્યાથી જ પંખા એસી ચાલુ કરી દે છે.

જ્યારે દરિયા કિનારા સિવાયના શહેરમાં રાત્રે પણ બફારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે થોડી ટાઢક થતા થોડી રાહત મળી રહે છે. જોકે, આવનારા પાંચ દિવસોમાં ગરમી પરસેવો છોડાવશે. ખાસ કરીને બપોરના સમયે અગનભઠ્ઠીમાં ઉતર્યા હોય એવો અહેસાસ થશે.અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જ્યારે ગુજરાત પંથકમાં મહેસાણા, અમદાવાદ અને છેક અંબાજી સુધી સૂર્યદેવનો આકરો મિજાજ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.