સમગ્ર દેશમાં ‘ફોનથી છેતરપિંડી‘નું નેટવર્ક ધરાવતી એક ગેંગને સલામતી સંસ્થાઓએ ઝડપી લીધી છે અને આઠ લોકોની ધરપકડ કરી છે તેમજ ચોરાયેલા ભંડોળ સાથે ૩૦૦થી વધુ નવા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે તેમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. આ ઉપરાંત આ ગેંગના ૯૦૦થી વધુ મોબાઈલ ફોન્સ, ૧,૦૦૦ બેન્ક ખાતા અને સેંકડો યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને ઈ-કોમર્સ આઈડીની તપાસ થઈ રહી છે. સલામતી એજન્સીઓએ અંદાજે ૧૦૦ બેન્ક ખાતા અને ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ્સ ફ્રિઝ કરી લીધા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્રોડ ટુ ફોન (એફટુપી) ગેંગના માસ્ટરમાઈન્ડ્સમાં ઝારખંડમાંથી ચાર, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાંથી બે-બેની ધરપકડ કરાઈ હતી તથા ૩૦૦થી વધુ નવા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગેંગ સામેનું ઓપરેશન ૧૮ રાજ્યોમાં ફેલાયેલું હતું અને તેમાં ૩૫૦થી વધુ લોકો સામેલ હતા. ગૃહમંત્રાલયની સાઈબર વિંગ એફસીઓઆરડી, મધ્ય પ્રદેશ પોલીસ અને અન્ય કેટલાક રાજ્યોની પોલીસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહમંત્રાલય દ્વારા ચલાવાતી સાઈબર સેફ એપ પર ૭૮ વર્ષીય ઉદયપુર નિવાસીએ ૧૧મી જૂને રૂ. ૬.૫ લાખની સાઈબર છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. ફ્રોડ ટુ ફોનનો કોલર ઝારખંડથી ઓપરેટ કરતો હતો. તપાસ દરમિયાન એજન્સીના ધ્યાનમાં આવ્યું હતું કે લોકો પાસેથી છેતરપિંડી કરીને પડાવાયેલા નાણાં સીધા જ એસબીઆઈના ત્રણ કાર્ડ્સમાં જમા થતા હતા. આ કાર્ડ્સ મારફત ફ્લિપકાર્ટ પરથી ચીની બનાવટના ૩૩ શાઓમી પોકો એમ૩ મોબાઈલ ફોનની ખરીદી કરાઈ હતી. આ ભંડોળ થોડાક જ સમયમાં મધ્ય પ્રદેશના બાલાઘાટમાં ટ્રાન્સફર થયું હોવાનું જણાયું હતું. આ સાથે બાલાઘાટના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટને જાણ કરાઈ હતી.
ઝારખંડ પોલીસે પણ એક એફટુપી કોલરની ધરપકડ કરી છે. એફટુપી ગેંગના સેંકડો ઓપરેટીવ્સ ઓટીપી છેતરપિંડી, ક્રેડિટ કાર્ડ છેતરપિંડી, ઈ-કોમર્સ છેતરપિંડી, ફેક આઈડી, બનાવટી મોબાઈલ નંબર્સ, ખોટા સરનામા, બ્લેક માર્કેટિંગ, કરચોરી, મની લોન્ડરિંગ અને ચોરાયેલા સામાનના સોદા કરવા જેવા કામોમાં સંડોવાયેલા છે. આરોપીઓ મોટાભાગે ચીની બનાવટના શાઓમી ફોનનો જ ઉપયોગ કરતા હતા. તેનું કારણ પણ તેમને પૂછવામાં આવ્યું હતું.
સાઈબર સેફ એક એવી એપ્લિકેશન છે, જે એફસીઓઆરડી દ્વારા બનાવાઈ છે અને ઓગસ્ટ ૨૦૧૯થી તેનું સંચાલન થઈ રહ્યું છે. આ એપ્લિકેશન સાથે ૧૯ રાજ્યોમાં પોલીસ સ્ટેશન્સ અને ઓનલાઈન તથા રિયલ-ટાઈમ ૧૮ ફીનટેક એકમો સહિત ૩,૦૦૦થી વધુ સંસ્થાઓ તેની સાથે જોડાયેલી છે. આ એપ પર અત્યાર સુધીમાં ૬૫,૦૦૦થી વધુ ફોન છેતરપિંડીઓની ફરિયાદો થઈ છે અને છેતરપિંડી કરનારાઓના ૫૫,૦૦૦ ફોન નંબર્સ, તથા કેટલાક હજાર બેન્ક ખાતા પણ ઓળખી કઢાયા છે તેમ ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.