ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાએ પ્રત્યેક એવા ખેડૂત પરિવારને ગાય નિભાવ ખર્ચ આપવાનું નક્કી કર્યું છે કે જેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે. આ યોજનાનો લાભ લેવા માટે પ્રત્યેક ખેડૂત પાસે દેશી ગાય હોવી જરૂરી છે, એટલું જ નહીં તે ખેડૂત ગાયના છાણ અને યુરીનની મદદથી ખેતી કરતો હશે.
રાજ્ય સરકારે ગાય નિભાવ ખર્ચની યોજના શરૂ કરી છે અને તેના માટે 213.57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. કૃષિ વિભાગના એક આદેશ પ્રમાણે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરિવારને એક ગાય માટે નિભાવ ખર્ચમાં પ્રતિ માસ 900 રૂપિયા અને વાર્ષિક 10800 રૂપિયા આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી એટલે ખેતરમાં પેટ્રીસાઇડ અને કેમિકલ ફર્ટિલાઇઝરનો નહીં પરંતુ પ્રકૃતિના મૂળ સિદ્ધાંતોને અનુરૂપ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરવી કે જેના કારણે પાકમાં વૃદ્ધિ અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન ખર્ચ અને પાણીની બચત થાય છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે.
અરજદાર ખેડૂતે અરજી સાથે આઇડેન્ટીફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ. હાલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા તેની તાલીમ બાદ તૈયાર થયેલા માસ્ટર ટ્રેનર જો પાત્રતાની શરતો પૂર્ણ કરે તો મંજૂરીમાં તેમને પ્રાથમિકતા આપવાની રહેશે. આ યોજનાનો લાભ વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચએફ ધરાવતા ખેડૂતને નહીં મળી શકે. વાછરડાંને ગાય તરીકે ગણી શકાશે નહીં.
આદેશમાં જણાવાયું છે કે જે ખેડૂત ધારણ કરેલી જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર એટલે કે 40 ગૂંઠા જમીનમાં દેશી ગાય આધારિત ખેતી કરતો હશે તેને આ નિભાવ સહાય અપાશે. અરજદાર ખેડૂતે પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માને આઇ ખેડ઼ૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી માગવામાં આવેલા દસ્તાવેજો (8-અની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક, બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક) સાત દિવસમાં તાલુકા બીટીએમ, એટીએમ કે ગ્રામસેવકને આપવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.