એપ્રિલ મહિનામાં તૈયાર હીરાની નિકાસ વધીને કોરોના પહેલાના સ્તરે પહોંચી જતાં હીરાઉદ્યોગમાં હાલ ‘અચ્છે દિન’ ચાલી રહ્યા છે. માત્ર કુદરતી જ નહીં, પરંતુ સિન્થેટિક ડાયમંડની માગમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હીરાની માસિક નિકાસનો આંકડો અપેક્ષા કરતા ખૂબ જ સારો રહ્યો છે. એક અંદાજ અનુસાર, એપ્રિલમાં કુ 2.3 અબજ ડોલરના હીરાની નિકાસ થઈ છે.જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2019માં અમેરિકામાં 1.6 અબજ ડોલરના ડાયમંડની નિકાસ થઈ હતી. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગની ડિમાન્ડ અમેરિકન માર્કેટમાં જોવાઈ રહી છે, અને કેટલોક તૈયાર માલ યુરોપ પણ જઈ રહ્યો છે.
તૈયાર હીરાની નિકાસ વધતા રફ હીરાની આયાત પણ વધીને કોરોના પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં સિન્થેટિક અને કલર જેમસ્ટોનની આયાત 315 મિલિયન ડોલરની આસપાસ રહી હતી, જે એપ્રિલ 2019 કરતા વધારે છે. GJEPCના ચેરમેન દિનેશ નવાડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોનાના કેસ ઘટ્યા છે અને વેક્સિનેશન વધ્યું છે જેથી ત્યાં હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે.
એક તરફ તૈયાર હીરાની માગ વધી છે, તો બીજી તરફ કોરોનાની બીજી વેવ ખતરનાક સાબિત થતાં પ્રોડક્શન પર તેની ગંભીર અસર પડી છે. અનેક કારીગરો વતનમાં જતા રહ્યા હોવાથી પણ પ્રોડક્શન હજુય પાટે નથી ચઢી શક્યું. નાવડિયાના જણાવ્યા અનુસાર, બહારના રાજ્યના કારીગરો તો કેસ વધવાનું શરુ થયું ત્યારે જ ચાલી ગયા હતા. હાલ કારખાનામાં કારીગરોની 30 ટકા જેટલી અછત છે. એટલું જ નહીં, તૌકતે વાવાઝોડાંને કારણે પણ સૌરાષ્ટ્રમાં હીરાના પ્રોડક્શન પર અસર પડી છે.
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુ વેકરિયાના જણાવ્યા અનુસાર, કારીગરો હવે ધીરે-ધીરે પરત ફરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં પ્રોડક્શનમાં વધારો થશે. બીજા ક્ષેત્રોથી વિપરિત ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાલ કામકાજ વધારે હોવાના કારણે કારીગરોને રોજગાર શોધવામાં પણ વાર નહીં લાગે. ઘણા કારખાનેદારોએ કારીગરોને આકર્ષવા માટે મજૂરના દર વધાર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.