સુરતમાં એકતરફી પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીની હત્યા કર્યાનો બનાવ તાજો જ છે અને રાજ્યભરમાં તેના ઘેરા પ્રતિઘાત પડ્યા છે અને એવામાં રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં ઘૂસેલા 30 વર્ષ જેટલી ઉંમરના વિધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પરાણે બર્થ ડે મનાવ્યો હતો.અને આ ‘ધરાર પ્રેમી’એ શિક્ષક અને બાળકોની સામે જ છાત્રાનો હાથ પકડી બળજબરીથી સેલ્ફી લીધી હતી તેમજ એકાએક થયેલા બેહૂદા વર્તનથી હતપ્રભ બનેલી વિદ્યાર્થિનીએ માતાને વાત કહેતાં સઘળી હકીકતો બહાર આવી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ અર્થે આવી હતી. તેનો જન્મદિવસ હોવાનું જાણતો હોવાથી અને લાંબા સમયથી સગીરાની પાછળ પડેલો વિધર્મી યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બાળજબરીપૂર્વક ‘આઇ લવ યુ’ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી. અને વાત આટલેથી પૂરી થતી ન હોય એતેમ બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરદસ્તી પકડીને સેલ્ફી લીધી હતી, એની સાથે ચોકલેટ ખવરાવી હતી.
વિધર્મી યુવકના અણછાજતા વર્તનથી એક્દમ ડરી ગયેલી સગીરા હતપ્રભ બનીને પોતાના ઘરે તેની માતાને સઘળી હકીકત કહેતાં માતા-પિતા પણ સ્કૂલે દોડી આવ્યાં હતાં.અને તેમની ઉગ્ર રજૂઆતને પગલે થોડીકવાર ભારે હંગામો સર્જાયો હતો. જોકે શિક્ષકોએ પોતાના બચાવ માટે પરિવારને શાંત કર્યો હતો અને શાળામાં ઘૂસી આવેલો વિધર્મી યુવાન માથાભારે હોવાથી અને શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની હીન ઘટના ઘટતાં સમગ્ર બનાવ દબાવી દેવાની પેરવી કરાઈ હતી. સંચાલકો દ્વારા કાયદેસર ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું, પણ એસએમસીને પણ જાણ કરી ન હતી. આમ, સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. જોકે કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે અને સગીરાના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે છોકરો ઘરે આવીને માફી માગી ગયો હતો, એટલે ફરિયાદ નથી કરાઈ.
આ બાબતે આચાર્ય ગોવિંદ પરમારને પૂછતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે સગીરાના વાલીઓ આવ્યા હતા તો યુવકના વાલીને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી પણ તેમણે આવવાની દરકાર લીધી ન હતી.અને ફરિયાદ માટે તો વાલીઓએ આગળ આવવું જોઈએ એવો બચાવ તેમણે કર્યો હતો. છોકરો વિધર્મી હતો છતાંય શિક્ષકો કેમ ઓળખી ન શક્યા એ વિશે પૂછતાં આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકને એવું લાગ્યું કે યુવાન સગીરાનો વાલી હશે અને એ વિધર્મી હોવાની વાત સગીરા વાલી આવ્યા બાદ ખબર પડી હતી.
સગીરાના શિક્ષકે આ અંગે વધુમા કહ્યું હતું કે અહીં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ અને સગાં-સંબંધીઓ ઘણી વખત જન્મદિવસ હોય ત્યારે ચોકલેટો બાળકોને આપતા હોય છે. અમને ક્યાંથી ખબર હોય કે યુવક બીજા ઇરાદે આવ્યો હશે. ફોટો પડાવવાની વાત વિશે પૂછતાં શિક્ષકે કહ્યું હતું કે નાની ભત્રીજી સાથે ફોટા પડાવતો હશે એમ માન્યું હતું. ફોટા પડાવતી વખતે સગીરાએ પણ કોઈ વિરોધ કર્યો નહોતો. નાની ઉંમરની વિદ્યાર્થિની સાથે આટલી મોટી ઉંમરનો યુવક આ પ્રકારનું હીન કૃત્ય કરશે એની તો કોઇને કલ્પના પણ ન હોય. જ્યારે સગીરાના વાલીઓ આવ્યા ત્યારે ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.