શ્રીનગરના આ વ્યક્તિએ સુરતના હુનર હાટમાં 8 દિવસમાં 6 લાખની કમાણી કરી

હું કાશ્મીરના શ્રીનગરથી મારા ભાઇ શાકિર કરીમ સાથે અહીં સુરતમાં કાશ્મીરની જગવિખ્યાત પશ્મિના શાલ, ક્રેવ સાડી, ડ્રેસ મટિરિયલ લઈને આવ્યાં છીએ. ‘હુનર હાટ’માં સુરતીઓનો ધાર્યો ન હોય એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 8 દિવસમાં અમારા હસ્તકલાના ઉત્પાદનોનું વેચાણ કરીને રૂ.6 લાખની કમાણી કરી છે.’ આ શબ્દો છે કાશ્મીરના શ્રીનગરથી આવીને ભાગ લઈ રહેલા સ્ટોલધારક આદિલ અહમદ ડારના.. કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા સુરત ખાતે આયોજિત ‘હુનર હાટ’માં દેશના વિવિધ ભાગોમાંથી હસ્તકલાકારીગરો અને હુનરબાજોનો સંગમ સર્જાયો છે.

ત્યારે 20 વર્ષીય આદિલ અહમદ તેમના મોટા ભાઇ શાકિર કરીમ સાથે સુરતના હુનર હાટમાં વિવિધ પ્રકારની પશ્મિના શાલનું વેચાણ કરી રહ્યાં છે. તેઓ આનંદ વ્યક્ત કરતાં કહે છે કે, પહેલાં અમે માત્ર કારીગર હતા, પણ હવે ‘હુનર હાટ’ના માધ્યમથી અમે વિશાળ બજારમાં પ્રવેશ્યા છીએ. ‘હુનર હાટ’ થી અમને ખબર પડી કે બજારમાં શું ચાલી રહ્યું છે. લોકોની શું માંગ છે? કલર કોમ્બિનેશન કેવું હોવું જોઈએ? ‘હુનર હાટ’ અમારા માટે નામ અને દામ આપતું પ્લેટફોર્મ બન્યું છે’

એક સુંદર પશ્મિના શાલ બતાવતા આદિલ કહે છે કે, ‘આ શાલ બનાવતા ચાર મહિનાનો સમય લાગે છે. અમારી પાસે રૂ.550થી શરૂ કરીને રૂ.3.50 લાખની શાલ ઉપલબ્ધ છે. અમે હાથેથી બનતી પશ્મિના શાલની વિવિધ વેરાયટી જેવી કે, કની, સોજની, તિલ્લા વર્ક, પેપર માશી, આરી એન્ડ નીડલ વર્કથી બનતી હાફ શાલ બનાવીએ છીએ. એક શુદ્ધ પશ્મિના શાલ બનાવતા ચાર મહિના જેટલો સમય લાગે છે. અહીં સુરતીઓનો ખુલ્લો મિજાજ જોવા મળ્યો છે. અહીં આવતાં ગ્રાહકો મનભરીને ખરીદી કરે છે.

આદિલ જણાવે છે કે, ‘શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં રહેતો મારો આખો પરિવાર હસ્તકલાથી પશ્મિના શાલ બનાવવાના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલો છે. મારા દાદા અને પરદાદા પણ આ વ્યવસાય સાથે જોડાયેલા હતાં. અમને આ કલાકૌશલ્ય પૂર્વજો તરફથી વારસામાં મળ્યા છે. અમારા જેવા નાના અને પરંપરાગત કારીગરોને હુનર હાટથી રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. “અમે અમારા પૂર્વજોની કારીગરી જાળવી રાખી છે. આ જ કારણ છે કે અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં તમામ વર્ગના લોકો અમારા ઉત્પાદનોને પસંદ કરે છે અને અપનાવી લે છે’ એમ તેઓ ઉમેરે છે.

વનિતા વિશ્રામના ‘હુનર હાટ’માં સ્ટોલ નં.186માં તેમનો સ્ટોલ છે. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ સૂત્રોની તમારા જીવન પર શું અસર થઈ? એમ પૂછતા તેઓ કહે છે કે, ‘સ્વદેશીના ઉત્તેજનથી અમને ઘણો નફો મળી રહ્યો છે. ‘હુનર હાટ’ને કારણે મારા પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. એક નીડલ અને આરી વર્કથી બનેલી શાલ દર્શાવી તેઓ કહે છે કે, અમારો સામાન પહેલા વિદેશમાં કે અન્ય રાજ્યોમાં જતો ન હતો, પરંતુ હુનર હાટથી હવે અમને ભરપૂર ઓર્ડર મળી રહ્યા છે. લોકો અમારી પાસેથી સીધી ખરીદી કરી રહ્યા છે, અને હોલસેલ પણ લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.