દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો હોઇ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ તરફ હવે કોવિડ-19ના 76 સેમ્પલમાં કોરોના વાયરસના XBB1.16 ફોર્મથી સંક્રમિત હોવાની પુષ્ટિ થતાં ચિંતાનો માહોલ ઊભો થયો છે અને વાત જાણે એમ છે કે, દેશમાં કોવિડ-19ના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાનું આ કારણ હોઈ શકે છે. આ દાવો INSACOGના નવીનતમ ડેટાના આધારે કરવામાં આવ્યો છે.
INSACOG ડેટા અનુસાર, જે સેમ્પલમાં કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ જોવા મળ્યું છે, તેમાંથી 30 કર્ણાટકના, 29 મહારાષ્ટ્રના, સાત પુડુચેરીના, પાંચ દિલ્હીના, બે તેલંગાણાના, એક-એક ગુજરાત-હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેસ જોવા મળ્યા છે. મહત્વનું છે કે, કોરોના વાયરસનું XBB1.16 સ્વરૂપ સૌપ્રથમ જાન્યુઆરીમાં સામે આવ્યું હતું અને જ્યારે બે સેમ્પલ તેના માટે પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં 59 સેમ્પલ તેનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ રચાયેલ ભારતીય SARS-Cov-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ જણાવ્યું હતું કે, માર્ચમાં અત્યાર સુધીમાં 15 નમૂનાઓમાં XBB1.16 વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે અને કેટલાક નિષ્ણાતો વાયરસના આ નવા સ્વરૂપને કોવિડ-19ના નવા કેસોમાં તાજેતરના વધારા માટે જવાબદાર ગણાવી રહ્યા છે.
રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોવિડના કેસોમાં વધારો XBB1.16 વેરિઅન્ટને કારણે જણાય છે, જ્યારે ઈન્ફલ્યુએન્ઝા કેસ H3N2ને કારણે છે અને તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના કેસો ગંભીર સ્વભાવના નથી, તેથી અત્યારે ગભરાવાની કે ડરવાની કંઈ જ નથી.
ઇન્ડિયન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સના ભૂતપૂર્વ કન્વીનર અને બિજનૌરની મંગલા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના બાળરોગ નિષ્ણાત વિપિન એમ. વશિષ્ઠે ટ્વિટ કરીને કહ્યું, ભારતમાં છેલ્લા 14 દિવસમાં કોવિડ-19ના નવા કેસોમાં 281 ટકાનો વધારો થયો છે અને આ રોગથી મૃત્યુઆંક 17 ટકા વધ્યો છે. ભારતમાં 126 દિવસમાં શનિવારે એક દિવસમાં મળી આવેલા કોવિડ-19 ચેપના નવા કેસની સંખ્યા 800ના આંકડાને વટાવી ગઈ છે અને દેશમાં સારવાર કરાયેલા કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5389 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.