રાજકોટ શહેરના માધાપર ચોક પાસે આવેલી સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પા ભૂપતભાઈ જનકાત (ઉં.વ.26)નું રહસ્યમય મોત નીપજ્યું છે માધાપર ચોક પાસે વરુણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી અને મૂળ ગીર-સોમનાથની અલ્પા તેના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવી હતી અને આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળી આવ્યું છે અને મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે રખાયેલા ફ્લેટમાં બીજા માળે અલ્પાબેન બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી અને અલ્પાબેન ગઇકાલે નોકરી પરથી આવ્યા બાદ નાહવા ગઇ હતી. લાંબો સમય સુધી તે બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં નહીં ખોલાતાં રૂમ પાર્ટનરે અન્ય માળ પર રહેતાં લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવીને જોતાં અલ્પાબેન બાથરૂમમાંથી બેભાન મળી આવતાં હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે જાણ થતાં ગાંધીગ્રામના PSI એચ.વી. સોમૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃત્યુ પામનાર અલ્પા મૂળ ગીર-સોમનાથની વતની હતી. તેનો એક ભાઇ મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. પોલીસના કહેવા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું જોકે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યાં નથી. અલ્પાબેનની બંને સાથળ પર ચાંભાં પડી ગયાં હોય એવાં નિશાન જોવા મળ્યાં હોય અને આ નિશાન શાનાં હોઈ શકે છે? એ અંગે પણ પોલીસે તપાસ યથાવત્ રાખી છે
હાલ પોલીસે મૃત્યુ પામનારના ભાઇ, રૂમ પાર્ટનર અને અન્ય નર્સોનાં નિવેદનો નોંધ્યાં છે, જેમાં અલ્પાબેનને કોઇ તકલીફ હોવાનું સામે આવ્યું નથી. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે તપાસ યથાવત્ રાખી છે અને પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાયા હોઈ, મોતનું કારણ જાણવા વિસેરા રિપોર્ટની અમુક દિવસો રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.