દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઈન્સ 2023ની એપ્રિલમાં પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સુરતના નિશ્ચય અગ્રવાલે મેદાન માર્યું છે. નિશ્ચયે 100 પર્સેન્ટાઈલ સાથે શહેરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ઓલ ઇન્ડિયામાં 36 રેન્ક મેળવ્યો છે. કોમ્પ્યુટર સાન્યન્સના ક્ષેત્રમાં મુંબઈ આગામી અભ્યાસ કરવા ઈચ્છતા નિશ્ચયે જણાવ્યું હતું કે, રોજની મહેનત અને પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.
નિશ્ચયની મહેનતથી સફળતા
ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનાર નીરેન્દ્ર અગ્રવાલના પુત્ર નિશ્ચય અગ્રવાલે જણાવ્યું હતું કે, ક્લાસરૂમમાં રોજના માર્ગદર્શનની સાથે સાથે ઘરે પણ રોજ મહેનત કરતો હતો. જેના કારણે બોજો આવતો નહોતો. રોજનું કામ રોજ થઈ જતું હતું. ડાઉટ હોય તો શિક્ષકો ક્લિયર કરાવી દેતા હતાં. સાથે જ ટેસ્ટ આપવાના કારણે પણ આ સફળતા મળી શકી છે.
માતાએ મદદ કરી
નિશ્ચયે જણાવ્યું હતું કે, તેમના માતા બીકોમ બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે. તેમણે પ્લાનિંગમાં ખૂબ મદદ કરી હતી. જે વિષય અઘરા લાગતાં હોય તેના માટે કેવી રીતે તૈયારી કરવી અને કઈ બૂક વાંચવી તે સહિતનું પ્લાનિંગ આપતાં હતાં. આ પ્લાનિંગના કારણે જ ટેન્શન આવ્યું નહોતું.
એકના એક દીકરા માટે પિતાએ કોઈ કસર બાકી ન રાખી
નિશ્ચયના પિતા નીરેન્દ્રભાઇ ટેક્સટાઈલમાં કામ કરે છે. તેઓ બીકોમ સુધીનો અભ્યાસ ધરાવે છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. તેમણે પણ દીકરાના અભ્યાસને લઈને ખૂબ મહેનત કરી હતી. પોતાના એકમાત્ર દીકરાના અભ્યાસને લઈને તેઓ કોઈ કસર બાકી રાખવા ન માગતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું હતું કે, નિશ્ચય અગ્રવાલે ટોપ કર્યું છે. જ્યારે રોનવ ગુંજને 99.99 પર્સેન્ટાઈલ સાથે મેથ્સમાં 100 પર્સેન્ટાઈલ સ્કોર કર્યો છે. જ્યારે તેને ઓલ ઇન્ડિયામાં 96 રેન્ક મેળવ્યો છે. 100 પર્સેન્ટાઇલ 1 વિદ્યાર્થી, 99.99 પર્સેન્ટાઇલ 4 વિદ્યાર્થી અને 99.9 પર્સેન્ટાઇલ 13 વિધરથીએ મેળવ્યા છે. જેઈઈ મેઈન્સ પરીક્ષામાં કુલ 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.