શેરબજારમાં સોમવારે અધધધ 1500 પોઇન્ટનો કડાકો બોલી ગયો જાણો શુ છે કારણ?

બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (BSE)ના સેન્સેકસમાં સોમવારે શેરબજાર ખુલતાની સાથે 1000 પોઇન્ટનો જબરદસ્ત કડાકો બોલી ગયો હતો. ખુલતાની સાથે જ બજાર ઉંધા માથે પટકાઇ ગયું હતુ અને સેન્સેકસમાં વધુ 500 પોઇન્ટ તુટી ગયા છે. કુલ 1500 પોઇન્ટનો અધધધ કડાકો બોલી ગયો છે. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના નિફ્ટીમાં પણ 500 પોઇન્ટ નિકળી ગયા છે.

આમ તો છેલ્લાં ઘણાં સમયથી શેરબજારમાં ઘટવા તરફી વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ સોમવારે તો જાણે બ્લડ બાથ જોવા મળ્યું હતું. બજાર ખુલ્યું સીધું 675 પોઇન્ટના ગેપથી અને થોડી વારમાં તો 1000 પોઇન્ટનું મોટું ગાબડું પડી ગયું હતું. બજાર રમણ ભ્રમણ થઇ ગયુ, પરતં ઘટાડો અટકયો નહીં અને બે કલાકમાં તો 1500 પોઇન્ટ સુધી બજાર નીચે ઉતરી ગયું હતું. છેલ્લાં બે સપ્તાહમાં લગાતાર તેજી બાદ શેરબજાર ઠંડીમાં ઠુઠવાઇ ગયું છે.

શેરબજાર જાણકારોના કહેવા મુજબ આમ તો ઓમીક્રોનની વધેલી ચિંતા ખાસ કરીને યુરોપમાં સંક્રમણ વધવાને કારણે બજાર પર અસર પડી છે, ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો એકધારો માલ વેચી રહી છે જેને કારણે બજાર મંદીના વાવાઝોડામાં સપડાઇ ગયું છે. જો કે સોમવારે એક વધુ કારણ એ પણ જાણવા મળ્યું હતું કે સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ 9 જેટલી એગ્રો કોમોડિટીઝના વાયદા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેની પણ બજાર પર મોટી અસર થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે મોટું કારણ એ પણ છે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ સતત માલ ફુંકી રહ્યા છે. આ મહિને તેમણે 26,687.46 કરોડના શેરો વેચી દીધા છે. FPIએ ગયા સપ્તાહમાં જ 10,452.27 કરોડના શેરો વેચી દીધા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારને સપોર્ટ કરવા ખરીદી કરી રહી છે, પરંતુ તેઓ પણ બજારને ઉંધા માથે પટકાતાથી બચાવી શકી નથી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ મહિનામાં 20,041.94 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. ગયા સપ્તાહમાં તેમણે 6,341.14 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.