દર વર્ષે વિજય દિવસ તરીકે 16 ડિસેમ્બરની તારીખ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. 50 વર્ષ અગાઉ 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવવા ઉપરાંત તેના બે ટૂકડા પણ કરી દીધા હતા અને ત્યારબાદ બાંગ્લાદેશ અસ્તિત્વમા આવેલું. આ યુદ્ધમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કરેલું. જ્યારે પણ વર્ષ 1971ના યુદ્ધ અને તેમા મળેલા વિજયને યાદ કરવામાં આવે છે ત્યારે તેની સાથે એવા 54 સૈનિકોની પણ યાદ આવે છે કે જેમની આજ દિવસ સુધી કોઈ ભાળ નથી.
કોણ હતા આ 54 લાપતા સૈનિક ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ બાદ 54 સૈનિક અને અધિકારીઓ ‘મિસિંગ ઈન એક્શન’ (ગુમ) અથવા ‘કિલ્ડ ઈન એક્શન’ (મૃત) જાહેર કરવામાં આવેલા. અવાર-નવાર એવી પણ માહિતી આવતી રહી છે કે આ સૈનિકો પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ રહેલા. આ 54 ગુમ થયેલા સૈનિકોમાં 30 થલ સેનાના સૈનિક, 24 વાયુ સેનાના સૈનિકનો સમાવેશ થાય છે. આ તમામ સૈનિકો વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કે પાકિસ્તાન તરફના મોરચે લડાઈ કરતી વખતે ધરપકડ કરાયેલા.
54 સૈનિક ની અંગે કોઈ સમજૂતી નહીં
પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને શિમલા સમજૂતી હેઠળ પરત મોકલવામાં આવ્યા તેમ છતાં સરકારે આ 54 ભારતીય સૈનિકો અંગે કોઈ સમજૂતી કરી નહીં. અન્ય દેશોમાં યુદ્ધકેદીઓને વ્યાખ્યાયિત કરવા માટે વિવિધ કેટેગરી હોય છે, પણ આપણા દેશમાં આ નથી.
પાકિસ્તાનની જેલોમાં કેદી બનાવાયેલા 54 સૈનિકો હોવાની ઘણા સમય બાદ જાણ થયેલી. વર્ષ 1971માં યુદ્ધ બાદ ગુમ આ સૈનિકો અંગે વર્ષ 1979માં લોકસભામાં એક યાદી રજૂ કરવામાં આવેલી, જેમાં 40 સૈનિકોનાં નામ હતાં. આ યાદીમાં એવી જેલોના નામ પણ આપેલા હતા કે જ્યાં આ સૈનિકોને રાખવામાં આવેલા. આ યાદીમાં બાદમાં 14 અન્ય નામ પણ ઉમેરવામાં આવેલા.
પાકિસ્તાન શું પ્રતિક્રિયા આપતું રહ્યું ?
વર્ષ 1989 સુધી પાકિસ્તાનનું કહેવું હતું કે ત્યાં કોઈ ભારતીય સૈનિક કેદ નથી. પણ અહીં બેનઝીર ભુટ્ટોની સરકાર આવી તો તેણે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનની જેલોમાં ભારતીય સૈનિકો કેદ છે. પણ ત્યારબાદ પાકિસ્તાને પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું. અગાઉ પરવેઝ મુશર્રફે કોઈ ભારતીય સૈનિક જેલમાં બંધ હોવાની વાતને નકારી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.