લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનો સંબંધ ખૂબ મહત્ત્વનો સંબંધ છે. કારણ કે પત્ની-પત્નીને એક બીજા પર વિશ્વાસ ન હોય તો બંનેનું લગ્ન જીવન ખરાબ થઇ શકે છે અને કેટલાક કિસ્સાઓ પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયા બાદ શંકાના કારણે હત્યાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે શંકાના કારણે એક યુવકે તેની પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના રાજકોટના જશદણમાં સામે આવી છે. પત્નીનો કોઈ અન્યની સાથે સંબંધ હોવાની શંકાને લઈને યુવકે રાત્રીના સમયે પોતાના રૂમમાં જ પત્નીની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ મોડી રાત્રે રૂમની બહાર આવીને માતાને કહ્યું હતું કે, મેં પત્નીની ગળું દવાબીને હત્યા કરી નાંખી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતા રિપોર્ટ અનુસાર રાજકોટ જિલ્લાના જસદણમાં ગઢડિયા રોડ પર અહેમદશા પઠાણ નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. અહેમદશાના લગ્ન ભાવનગર જિલ્લાના ગડુલા ગામમાં રહેતી આશિયાના નામની યુવતી સાથે થયા હતા. ચાર મહિના પહેલા જ ધામધૂમથી લગ્ન બાદ અહેમદશાએ આશિયાનાની હત્યા કરી નાંખી હતી અને મંગળવારના રોજ આશિયાનાનો ઝઘડો તેના પતિની સાથે થયો હતો. રાત્રી દરમિયાન અહેમદશાએ તેની પત્ની આશિયાનાનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહત્ત્વની વાત છે કે રાત્રીના સમયે જ્યારે અહેમદશા અને પત્ની ઝઘડો કરતા હતા પરિવારના સભ્યો આ બધું સાંભળી રહ્યા હતા. રાત્રીના 3 વાગ્યા આસપાસ અહેમદશા તેની રૂમમાંથી બહાર આવ્યો. ત્યારે માતા જાગતા હોવાના કારણે અહેમદશાએ માતાને કહ્યું કે, મેં પત્નીની હત્યા કરી નાંખી છે.
પત્ની આશિયાનાની હત્યા કર્યા બાદ ભગવાના બદલે અહેમદશા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને જસદણ પોલીસ સ્ટેશનમાં અહેમદશાએ કબુલાત કરી હતી કે, તેને પત્નીની હત્યા કરી છે. આ ઉપરાંત અહેમદશાએ પોલીસને પત્નીના મૃતદેહ અંગે પણ માહિતી આપી હતી. તેથી પોલીસે અહેમદશાની ધરપકડ કરીને ઘટના સ્થળ પર પહોંચીને આશિયાનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અહેમદશા સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં અહેમદશાએ કબુલાત કરી હતી કે તેને પત્ની પર શંકા હતી કે, તે મોબાઈલ પર સતત કોઈ બીજાની સાથે વાતચીત કરતી હતી. હાલ તો પોલીસે અહેમદશા અને મૃતક આશિયાનાનો મોબાઈલ કબજે કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.