ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે અને ક્યારેક સોશિયલ મીડિયાની અણસમજ મુસીબતને આમંત્રણ આપે તેવા અનેક બનાવો સામે આવ્યા છે અને ત્યારે આવો વધુ એક બનાવ નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે.
નવરાશની પળોમાં ફેસબુકનો ઉપયોગ કરતા એક યુવકને ભૂલથી એક યુવતીને કોલ થઈ ગયો હતો અને બાદમાં યુવતીના પતિએ તેના સાગરીતો સાથે મળીને યુવકને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
નિકોલ વિસ્તારમાં રહેતો એક યુવક ગત મોડી સાંજે તેના મોબાઈલમાં ફેસબુક પ્રોફાઈલમાં ફોટા જોતો હતો. ત્યારે તેની મિત્રના ફોટો જોતા તેના એકાઉન્ટ પર કોલ થઈ ગયો હતો. જોકે આ બાબતની જાણ તેને થતાં કોલ કટ કરી દીધો હતો અને થોડી વાર બાદ આ નંબર પરથી યુવતીનો કોલ આવ્યો હતો. જોકે ફરિયાદી યુવકે શરતચૂકથી કોલ થઈ ગયો હોવાનું કહેવા છતાં સામે વાળી વ્યક્તિ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને યુવકનું સરનામું માંગ્યું હતું.
ફરિયાદી યુવકે સરનામું આપતા જ થોડીવારમાં ફોન કરનાર વ્યક્તિ તેના અન્ય ચાર મિત્રો સાથે ત્યાં પહોંચી ગયો હતો. ફરિયાદીને મળવાના બહાને નીચે બોલાવી તેની સાથે બોલાચાલી કરીને તું મારી પત્નીને ફોન કેમ કરે છે તેમ કહીને લોખંડની પાઇપ વડે તે અને તેના મિત્રો ફરિયાદી યુવકને માર મારવા લાગ્યા હતા.
આરોપીઓએ યુવકને માર મારીને લોહી લુહાણ કરી નાંખ્યો હતો અને તેનો મોબાઈલ તેમજ પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. અને જતા જતા એવી ધમકી પણ આપી હતી કે આ વખતે તો તું બચી ગયો હવે પછી રસ્તામાં મળીશ તો જાનથી મારી નાખીશ.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ફરિયાદી યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.