‘જેટલો માલ જોઈએ એટલો મળી જશે’ ના ના ના આ દારૂની વાત નથી થતી, જાણો શેનો વેપલો ચાલુ છે

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ હોય છે અને ચાઈનીઝ દોરી લોકો માટે ઘાતક સાબિત થતી હોવાના કારણે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવે છે. ત્યારે સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈનીઝ દોરીનુ વેચાણ થતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં લબરમૂછિયા જેવા દેખાતા કેટલાક યુવકો પોલીસ કે, કાયદાના ડર વગર ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે. તેઓ ગ્રાહકોને એમ પણ કહી રહ્યા છે કે, જેટલો માલ જોઈતો હોય તેટલો મળી જશે.

ત્યારે એક ન્યુઝ પોર્ટલ દ્વારા સુરતમાં ચાઈનીઝ દોરીનું વેચાણ બેફામ ચાલતું હોવાનું એક સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જેમાં પહેલા તો ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીનો મોબાઈલના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ચાઈનીઝ દોરા લેવા માટે લોકોને બોમ્બે માર્કેટ પાસે બોલાવ્યા અને બોમ્બે માર્કેટ નજીક એક યુવક દોરા લેવા આવેલા વ્યક્તિઓને પોતાની સાથે લઈને વરાછા વિસ્તારમાં લઇ ગયો હતો. ત્યારબાદ એક યુવક ચાઈનીઝ દોરીના બોક્સ તેની સાથે લઈને આવ્યો હતો. ખરીદી કરતાં વ્યક્તિઓને વેચાણ કરનારે એવું પણ જણાવ્યું કે, હજુ પણ વધારે જો તમારે ચાઇનીઝ દોરી જોઈતી હોય તો અમારી પાસેથી તમને મળી જશે. ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો આ યુવક શાળામાં અભ્યાસ કરતો હોય તેવું લાગી રહ્યું હતુ

તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ચાઈનીઝ દોરીના વેચાણની સાથે-સાથે ચાઈનીઝ માંઝા અને પ્લાસ્ટિક દોરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે તો બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, પતંગ ચગાવવા માટે સિન્થેટિક કોટિંગ વાળા માંજા કે પછી નોનબાયો ડિગ્રેબલ હોય તેવા દોરા અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે, સુરત પોલીસ હવે સોશિયલ મીડિયામાં બેરોકટોક વેચાતા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાવવા માટે કેવી કાર્યવાહી કરે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.