ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS અધિકારી રાજકુમાર બેનિવાલ, IAS અધિકારી હારિત શુક્લા, IAS અધિકારી અનોજ અગ્રવાલ અને IAS અધિકારી જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા છે. મહત્ત્વની વાત છે કે, IAS અધિકારી હારિત શુક્લા 2020માં પણ કોરોના સંક્રમિત થયા હતા અને તે સમયે તેમને હોમક્વોરેન્ટાઈનમાં રહીને સારવાર લીધી હતી. 5 IAS અધિકારી કોરોના સંક્રમિત આવતા કેબીનેટ મીટીંગનું આયોજન પણ રદ્દ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ તમામ IAS અધિકારીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવતી કાલે વધુ કેટલાક અધિકારીઓ કોરોના સંક્રમિત આવી શકે છે.
રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દિન-પ્રતિદિન કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી લહેરમાં જે પ્રકારે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા વધારે ગતિથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં 900 કરતા વધારે નવા કેસ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તો બીજી તરફ IMA દ્વારા સરકારના રાજકીય-સામાજિક અને ધાર્મિક મેળાવળા બંધ કરવા માટે અને રાજ્યની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.