એક સમયે પોતુ મારવાનું કામ કરતો આ ખેલાડી 5 બોલમાં 5 સિક્સ મારીને બની ગયો IPL નો હીરો

IPL 2023માં ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક એવી મેચ રમાઈ હતી જેને ક્રિકેટ ફેન્સ વર્ષો સુધી નથી ભૂલવાના અને કોલકાતા નાઈટ રાઈડર્સ VS ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોલકાતાના રિંકુ સિંહે ભજવી હતી. રિંકુ સિંહે આ મેચની લાસ્ટ ઓવરમાં એવી અદ્ભુત રમત બતાવી જેના વખાણ કરતા શબ્દો ઓછા પડી જાય.

25 વર્ષીય રિંકુએ ગુજરાત ટાઈટન્સ સામે 21 બોલમાં 1 ચોક્કો અને 6 છગ્ગાની મદદથી અણનમ 48 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે છેલ્લી ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારીને KKRને જીત અપાવી હતી. યશ દયાલે ફેંકેલી 20મી ઓવરમાં KKRને જીતવા માટે 29 રનની જરૂર હતી. તેણે ઉમેશ યાદવ સાથે આઠમી વિકેટ માટે 52 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને આ ભાગીદારીમાં ઉમેશે 5 રનનું યોગદાન આપ્યું હતું. KKRએ 205 રનના લક્ષ્યનો પીછો કરતાં 3 વિકેટે રોમાંચક જીત હાંસલ કરી હતી.

રિંકુનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. રિંકુના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેના પિતા સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા અને ભાઈ ઓટો રિક્ષા ચલાવતો હતો. રિંકુને પાંચ ભાઈ-બહેન છે. તેનું બાળપણ બે ઓરડાના મકાનમાં વીત્યું હતું. તે વધારે ભણેલો નથી, તે નવમા ધોરણમાં નાપાસ થયો હતો. આ પછી રિંકુએ આગળ અભ્યાસ કર્યો ન હતો. તેણે જીવનમાં ખુબ મહેનત કરી છે. તેણે ઉત્તર પ્રદેશની અંડર-16થી રણજી ટીમનો ભાગ બનવા સુધીની સફર કરી હતી. તે વર્ષ 2017માં IPLનો ભાગ બન્યો હતો. રિંકુને વર્ષ 2018માં શાહરૂખ ખાનની KKRએ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

જ્યારે રિંકુ સિંહનો ક્રિકેટ કરિયર શરુ થયો ત્યારે પરિવારના સભ્યોને તેની પાસેથી કોઈ ખાસ અપેક્ષાઓ ન હતી. રિંકુને કહેવામાં આવ્યું કે જે રીતે ભાઈ નોકરી કરે છે તે રીતે તે પણ કોઈ કામ શોધી લે અનેબપરિવારના કહેવાથી રિંકુએ નોકરી કરવાનું નક્કી કર્યું હતું. રીન્કુને એક કોચિંગ સેન્ટરમાં મોપિંગનું કામ મળ્યું હતું. જો કે રિંકુને આ કામ પસંદ નહોતું એટલે તે ફરી ક્રિકેટ તરફ વળ્યો. તેણે પરિવારના લોકોને સ્પષ્ટ કહી દીધું કે તે માત્ર ક્રિકેટમાં જ આગળ વધવા માંગે છે. રિંકુએ તેના જીવન વિશે જણાવતા કહ્યું, ‘હું વધારે ભણેલો નથી, તેથી મને વિશ્વાસ હતો કે ક્રિકેટ જ મને આગળ લઈ જશે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને મેં સંપૂર્ણપણે ક્રિકેટ પર ફોકસ કર્યું અને આગળ વધવા માટે ખુબ મહેનત કરી. મેં જેટલી પણ મહેનત કરી છે તે આજે રંગ લાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.