તમામ અટકળોને ખોટી ઠેરવીને કિમ જોંગ ઉનનું કમબેક, રિબન કાપતા જોવા મળ્યા

ગત 12 એપ્રિલના રોજ અંતિમ વખત કિમ જોંગ એક ફાઈટર જેટના પરીક્ષણ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આખરે ત્રણ સપ્તાહ બાદ એક સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરીના કારણે તેમના સ્વાસ્થ્ય અંગે અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. ત્યારે ઉત્તર કોરિયાની એક સરકારી ન્યૂઝ એજન્સીએ કિમે એક ખાતર બનાવતી ફેક્ટરીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપીને રિબન કાપી હોવાનું જાહેર કર્યું છે.

12મી એપ્રિલે અંતિમ વખત જોવા મળેલા

આના પહેલા અંતિમ વખત કિમ 12મી એપ્રિલના રોજ એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ફાઈટર જેટની ઉડાનનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમની સતત ગેરહાજરીના કારણે છેલ્લા 20 દિવસથી કિમ અંગેની વિવિધ ખબરો વહેતી થઈ હતી. તેઓ ગંભીર રીતે બીમાર હોવાનો દાવો કરાઈ રહ્યો હતો અને તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળોનો મારો ચાલ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં અનેક પ્રકારના દાવા

અમેરિકાની એક ન્યૂઝ એજન્સીએ પોતાના રિપોર્ટમાં કિમ જોંગ ઉનની હાલત ખૂબ ખરાબ છે, તેમણે એક સર્જરી કરાવી છે અને ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય લથડ્યું છે તેવો દાવો કર્યો હતો. અમેરિકી ન્યૂઝ એજન્સીએ આ દાવો વ્હાઈટ હાઉસના કોઈ અધિકારીનો હવાલો આપીને કર્યો હતો.

કિમને જોઈને ગદગદ થઈ ગઈ જનતા

ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કિમે જાહેર કાર્યક્રમમાં રિબન કટિંગ કર્યું હતું અને ત્યાં ઉપસ્થિત ભીડ તેમને જોઈને ગદગદ થઈ ગઈ હતી. લોકોએ કિમનું સ્વાગત કર્યું હતું અને નારા બોલાવ્યા હતા.

ગત 15મી એપ્રિલના રોજ કિમ પોતાના દાદા કિમ સુંગ દ્વિતીયના જન્મ દિવસના અવસર પર નહોતા દેખાયા જેથી અફવાઓને બળ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 15મી એપ્રિલ ઉત્તર કોરિયામાં ખૂબ મહત્વનો દિવસ ગણાય છે અને તે દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.

11મી એપ્રિલના રોજ કિમ જોંગ ઉન પોતાની પાર્ટીની મીટિંગમાં સામેલ થયા હતા અને તેના પછીના દિવસે, 12મી એપ્રિલના રોજ ફાઈટર જેટની ઉડાનનું પરીક્ષણ કરી રહ્યા હતા તે પછીથી દેખાતા બંધ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.