રૂ.5 હજારમાં તમારુ બધું પતાવી દઈશ
સચીન પોલીસના ડી સ્ટાફના પ્રવિણ મકવાણા તરીકે ઓળખ આપી સચીનનો અમિત ભરવાડ બાકીના રૂ.2 હજાર લેવા આવ્યો ત્યારે ભાંડો ફૂટ્યો
સુરતના સચીન તલંગપુરમાં ચાલીમાં રહેતા શ્રમજીવીને તમારા છોકરા મોબાઈલ ચોરીના આરોપી છે, કેસ થયો છે જેલમાં જશે કહી પતાવટ માટે રૂ.30 હજારની માંગણી કરી બાદમાં રૂ.5000 માં બધું પતાવી દેવાની વાત કરી રૂ.3 હજાર પડાવી બાકીના રૂ.2 હજાર લેવા આવેલો નકલી પોલીસ ઝડપાયો હતો.
સચીન નજીકના ઉંબેરગામના બિલ્ડર મહેન્દ્ર પટેલના તલંગપુરમાં શિવાંજલી સોસાયટીમાં બાંધેલી ચાલીમાં રહેતા ધવલ અને તુફાનને સચીન ડી-સ્ટાફ તરીકે ઓળખ આપીને રીક્ષાચાલક અને અન્ય બે વ્યક્તિ સાથે ગુરુવારે રાતે 8 વાગ્યે રૂમ પર આવી પકડી લીધા હતા. તેમની પાછળ રડતા રડતા આવેલા માતાપિતાએ મહેન્દ્ર પટેલને કારણ પૂછતાં મોબાઈલ ચોરીનો કેસ થયો છે તેવું ડી-સ્ટાફના માણસે કહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.જેથી પિતા ત્રિનાથભાઈએ પોલીસને પૂછતાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ડી-સ્ટાફના પ્રવિણ મકવાણા તરીકે આપી બંને જેલમાં જશે બચાવવા હોય તો વ્યવહાર કરવો પઢશે કહી રૂ.30 હજારની માંગ કરી હતી.
ત્રિનાથભાઈએ પૈસા આપવાની અસમર્થતા દર્શાવતા રકઝક બાદ રૂ.5000 માં બધું પતાવી દેવા પ્રવિણ મકવાણા તૈયાર થયો હતો અને રૂ.3000 લઈ બાકીના પૈસા આવતીકાલે લઈ જઈશું કહી રીક્ષામાં બેસી જતા રહ્યા હતા. ગતસાંજે 6.30 વાગ્યે મહેન્દ્રભાઈ, તેમના ભાઈ અને ત્રિનાથભાઈ ચાલીમાં હતા ત્યારે બાઈક ( નં.જીજે-05-જીઆર-3131 ) લઈ પ્રવિણ મકવાણા આવ્યો હતો અને રૂ.2000 ની માંગ કરતા મહેન્દ્રભાઈએ તેનો આઈકાર્ડ માંગ્યો હતો. તેણે આઈકાર્ડ નહીં બતાવી ઝઘડો કરતા તેને પકડીને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. સચીન જીઆઇડીસી પોલીસ સ્થળ પહોંચી ત્યારે પકડાયેલો યુવાન પોલીસ જ ન હોવાનું બહાર આવ્યું હતું.જેથી પ્રવિણ મકવાણા તરીકે આપનાર નકલી પોલીસ અમિત રાજુભાઈ ભરવાડ ( ઉ.વ.21, રહે. ગોકુલનગર, પારડી, સચીન, સુરત ) તથા તેની સાથે ઓટો રીક્ષા લઈ આવેલ ગુડ્ડુ અને ગેરેજવાળા વિરુદ્ધ ગુનો નોંધી અમિતની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.