ગૌણ સેવા પસંદગી મંડળે ૧૭ નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે છેવટે સ્વિકાર્યુ છે. એક મહિનાના અંતે પરીક્ષા રદ કરવા સંદર્ભે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ SITના પ્રાથમિક તારણોને આધારે મુખ્યમંત્રી સ્તરેથી નિર્ણય લેવાયનું જાહેર કર્યું હતુ. સોમવારે મોડી સાંજે સચિવાલયથી આ નિર્ણયની જાહેરાત થતા ૧૫ દિવસથી આંદોલન કરનારા લાખો યુવા ઉમદેવારોએ રાજ્યભરમાં ફટાકટા ફોડીને ઉજાણી કરી હતી.
૧૭ નવેમ્બરે રદ થયેલી પરીક્ષા ધોરણ-૧૨ પાસની હાલની લાયકાત અને નવી વ્યવસ્થાઓ સાથે ફરીથી યોજાશે. ૩,૯૦૧ જગ્યાઓ માટે ૧૦.૪૫ લાખ યુવાનોએ ઉમેદવારી કરી હતી. તેમાંથી છ લાખથી વધુએ પરીક્ષા આપી હતી. નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. આંદોલન કરનારા યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, ભાવસિંહ સરવૈયા, યુવરાજસિંહ ગોહિલે SIT સમક્ષ ૧૦ મોબાઈલ રજૂ કર્યા હતા. જેના આધારે ૧૨ વાગ્યે શરૂ થનારી પરીક્ષાનું પેપર ૫૪ મિનીટ પહેલા ૧૧.૦૬ કલાકે અને ૧૦.૫૩ કલાકે વોટ્સએપમાં ફરી રહ્યાનું FSLએ પુરવાર કર્યું છે. આ પેપર લીક કોણે કર્યું ? ક્યાંથી થયુ ? તેના જવાબમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ કહ્યુ હતુ કે, ”SITના પ્રાથમિક તારણને સરકારે સ્વિકાર્યા છે, વાઈરલ થયેલા પેપરની અંતિમ કડી શોધવા હાલમાં આગળનું પૃથ્થકરણ ચાલી રહ્યુ છે. ગાંધીનગરમાં ફોજદારી ગુનો નોંધીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને તપાસ સોંપવા મુખ્યમંત્રી સ્તરેથી નિર્ણય લેવાયો છે. પેપર લીક કરવામાં, ગેરરીતિઓ આચરવામાં ગૌણ સેવા પસંદગી મંડળથી લઈને રાજકિય આગેવાન કે તેમના માણસો કે પછી ગમે તેવા ચમરબંધીની સામેલગીરી તપાસમાં બહાર આવશે તો સરકાર કોઈને પણ છોડશે નહી. અમારૂ પહેલુ કામ ઉમેદવારોની રજૂઆતોની તપાસ કરીને પરીક્ષા રદ કરવાની માંગણી સંદર્ભે નિર્ણય લેવાનું હતુ”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.