ચૂંટણી જીતવા, સરકાર કોરોનામાં નિષ્ફળ ગઈ છે તે છુપાવવા, આ પ્રોજેકટો પૂરા કરશે…

કોરોના સંક્રમણ અને મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલી જનતાનું ધ્યાન ડાયવર્ટ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે ગુજરાતના અતિ મહત્વના બે પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો અને મુંબઇ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર લઇ જવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને પ્રોજેક્ટમાં આવતી તમામ અડચણો દૂર કરી 2022ની વિધાનસભા તેમજ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં શરૂ કરવાના આદેશ પીએમઓ દ્વારા રેલવે મંત્રાલય તેમજ રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન ઓગષ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન કમ કોરિડોરના બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપશે. હાલ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એક વખત ટેન્ડર નક્કી થયા પછી સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવશે.

રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર હાલના સ્ટેશનના પ્લેટફોર્મ 11 અને 12 પર રહેશે. આ સાથે સાબરમતી સ્ટેશન પર પણ ડિઝાઇન મંજૂર કરવામાં આવી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશને અમદાવાદ મેટ્રો અંડરગ્રાઉન્ડ, રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ લેવલ અને બુલેટ ટ્રેન એલિવેટેડ એક સાથે રહેશે જ્યારે સાબરમતી સ્ટેશને રેલવે સ્ટેશન અને મેટ્રો એકસાથે હશે. આ પ્રોજેક્ટ માટે 25000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાઇ રહ્યાં છે.

બીજી તરફ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભની ચૂંટણી પહેલાં અમદાવાદ મેટ્રોરેલના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 13 વર્ષથી વિલંબિત મેટ્રો પ્રોજેક્ટનું અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું કામ ઓગષ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. મેટ્રો રેલ માટેની મેઘા કંપનીના અધિકારીએ કહ્યું હતું કે અમને સરકારે ઓગષ્ટ 2022 સુધીમાં મેટ્રોના પહેલા તબક્કાનું ઇન્સ્પેક્શન થઇ જાય ત્યાં સુધીની તૈયારી કરવાનું કહ્યું છે.

https://www.youtube.com/watch?v=3rUoDYRZL_M

બન્ને પ્રોજેક્ટમાં વિલંબ થતાં કોસ્ટમાં વિક્રમી વધારો ;
બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જાપાનની લોન સાથે શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ થી મુંબઇના 508 કિલોમીટરના વિસ્તારને આ બુલેટ ટ્રેન આવરી લે છે. આ પ્રોજેક્ટને પહેલાં 2023 સુધીમાં પૂર્ણ કરવાનો થતો હતો પરંતુ જમીન સંપાદનની અડચણો આવતાં તેમાં વિલંબ થયો છે. પહેલાં આ પ્રોજેક્ટ માટે 98000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ વિલંબ થતાં હવે 1.08 લાખ કરોડનો ખર્ચ થશે. જ્યારે અમદાવાદ મેટ્રોના પહેલા તબક્કામાં 40.03 કિલોમીટરનું અંતર છે જે બીજા તબક્કામાં જ્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે વધુ 28.25 કિલોમીટરનો વિસ્તાર આવરી લેશે. મેટ્રોની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે 2006માં પ્રોજેક્ટ ખર્ચ 5000 કરોડ, 2014માં 9000 કરોડ અને હવે 12000 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.