ટોચના પ્રાદેશિક નેતાઓના પત્રો બાદ સોનિયા ગાંધી લઇ શકે છે મોટો નિર્ણય

કોંગ્રેસમાં નેતૃત્વ વિવાદના માહોલ વચ્ચે સોનિયા ગાંધી કોંગ્રેસનું કાર્યકારી અધ્યક્ષ પદ છોડી દેશે. એક લાંબા સમયથી કોંગ્રેસમાં ફૂલટાઈમ અધ્યક્ષ પદ માટે માગ થઈ રહી છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સોનિયા ગાંધીએ પોતાના સાથીઓને કહ્યું હતું કે, તેમણે એક વર્ષ કાર્યકારી અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. હવે તે પક્ષના અધ્યક્ષ પદેથી દૂર થઈ જવા માગે છે.

તેમણે પાર્ટીના એક નવા અધ્યક્ષ તરીકે પણ પસંદગી કરવી જોઈએ. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આવતીકાલે સોમવારના રોજ યોજાઈ રહી છે. પણ સુત્રોએ જણાવ્યું હતું કે, બેઠક સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે. પણ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, સોનિયા ગાંધી ફરીથી અધ્યક્ષ પદ છોડવા માટેની ઈચ્છા વ્યક્ત કરશે અને સભ્યોને કહેશે કે, સભ્યો પોતાના પક્ષના નેતાની પસંદગી કરી લે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સંગઠનમાં મોટા સ્તર પર ફેરફારને લઈને ચર્ચા ચાલી રહી છે. પક્ષના મુખ્ય નેતૃત્વ માટે કોંગ્રેસમાં બે ફાડા પડ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. એક ગ્રૂપ નેતૃત્વ સહિત સંગઠનમાં મોટા પાયે પરિવર્તન ઈચ્છે છે, આ માટે માગ કરી રહ્યું છે. તો બીજુ ગ્રૂપ ગાંધી પરિવારને પડકાર ફેંકાવો અયોગ્ય ગણાવી રહ્યું છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ગાંધી પરિવારના નેતૃત્વ પડકારનો વિરોધ કર્યો છે.

પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં આ સમય આવા મુદ્દાઓને ઉઠાવવાનો નથી. અત્યારે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર સામે મજબૂત વિપક્ષની જરૂર છે. જે સરકારે દેશના બંધારણીય અને લોકતાંત્રિક સિદ્ધાંતોને ખતમ કરી નાખ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલની બેઠકમાં સોનિયા ગાંધી અધ્યક્ષ પદેથી હટી જવા માટેનું એલાન કરી શકે છે. ટૂંકમાં અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી શકે છે. જોકે, સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને નવા અધ્યક્ષ પસંદ કરવા માટે કહ્યું છે. કોંગ્રેસના જ 20થી વધારે મોટા નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી પરિવર્તન કરવા માટે માગ કરી હતી. જેમાં ગલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, વિવેક તનખા, પૃથ્વીરાજ ચૌહાણ, શશિ થરૂર જેવા નેતાઓનો સમાવેશ થાય છે. કાર્યકારી અધ્યક્ષ પદે સોનિયા ગાંધીની અધ્યક્ષ તરીકેની સમય મર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.