ટ્રમ્પે ઇન્કમ ટેક્સ ભરવામાં કરી ગોલમાલ, ન્યૂયોર્ક ટાઇમ્સમાં અહેવાલ પ્રગટ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પહેલે વર્ષે ફક્ત 750  ડૉલરનો ફેડરલ ઇન્કમ ટેક્સ ભર્યો હતો એવો સનસનાટી ભર્યો અહેવાલ ન્યૂયોર્ક ટાઇમ્સે એના રવિવારના અંકમાં પ્રગટ કર્યો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું હતું કે પોતે કેટલો ઇન્કમ ટેક્સ ભરે છે એ વિગતો જાહેર નહીં કરનારા ટ્રમ્પ એક માત્ર અને પહેલા પ્રમુખ હતા.

જો કે હંમેશની જેમ ટ્રમ્પે આ અહેવાલને ફેક ન્યૂઝ કહીને ઊતારી પાડ્યો હતો પરંતુ પોતે કેટલો ઇન્કમ ટેક્સ ક્યારે ભર્યો એની વિગતો જાહેર કરી નહોતી.

ન્યૂયોર્ક ટાઇમ્સે પ્રગટ કરેલા અહેવાલમાં એવો દાવો કર્યો હતો કે છેલ્લાં પંદર વર્ષમાં ટ્રમ્પે એક પણ ફેડરલ ઇન્કમ ટેક્સ  ભર્યો નથી. રાષ્ટ્રપતિપદના ઉમેદવા તરીકે ટ્રમ્પે પોતાને અબજોપતિ રિયલ એસ્ટેટ બ્રોકર અને ટોચના વેપારી તરીકે રજૂ કર્યા હતા. વાસ્તવમાં એ કોઇ ઇન્કમ ટેક્સ ભરતા નહોતા. વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કોઇ પત્રકારે ન્યૂયોર્ક ટાઇમ્સના આ અહેવાલ અંગે પ્રશ્ન પૂછતાં ટ્રમ્પે ઠંડે કલેજે કહી દીધું, ઇટ્સ ફેક ન્યૂઝ. જો કે પોતે કેટલો ઇન્કમ ટેક્સ ભરે છે એ વિશે તેમણે કોઇ ખુલાસો કર્યો નહીં.

ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લાં દસ વર્ષના ટ્રમ્પના ઇન્કમ ટેક્સ રિટર્ન્સના આંકડા મેળવ્યા બાદ અમે આ રિપોર્ટ પ્રગટ કર્યો હતો. આ અહેવાલ એવા સમયે પ્રગટ થયો હતો જ્યારે આવતી કાલે મંગળવારે રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારો વચ્ચે ચર્ચા થવાની છે અને થોડાં સપ્તાહો બાદ ટ્રમ્પનો જો બીડેન સાથે નિર્ણાયક મુકાબલો થવાનો છે. અત્યાર અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે મારા ટેક્સીસ બાબત હું વિગતવાર ખુલાસો કરીશ. 2016ની ચૂંટણી વખતે પણ ટ્રમ્પે એવું વચન આપ્યું હતું પરંતુ પાછળથી તેમણે એ વચનનું પાલન કર્યું નહોતું. તેમના ઇન્કમ ટેક્સની માહિતી માગનારા લોકોને તેમણે કોર્ટમાં પડકાર્યા હતા. આવી માહિતી માગનારા લોકોમાં અમેરિકી સંસદનો પણ સમાવેશ થયો હતો. સંસદીય નિરીક્ષણના એક  ભાગ રૂપે સંસદે આ માહિતી માગી હતી. જો કે ટ્રમ્પે આપી નહોતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.