ટ્રમ્પ જેનો સૌથી વધારે વિરોધ કરી રહ્યા છે ભાજપના મંત્રીએ તે જ મુદ્દો ઉઠાવી અમેરિકનોને ખુશ કરી દીધા

ભારતે સાવધાનીપૂર્વક વ્હાઈટ હાઉસ સમક્ષ હાઈ-સ્કીલ્ડ પ્રોફેશનલ્સ માટેનો એચ-1બી વીસા કાર્યક્રમનો મુદ્દો ચર્ચા માટે ઉઠાવ્યો છે. ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી ભારતીય કંપનીઓ અને આઈટી પ્રોફેશનલ્સ માટે સૌથી વધુ લાભદાયક એચ-1બી વીસા કાર્યક્રમ પર અનેક નિયંત્રણો લાદ્યા હોવાથી વિદેશ મંત્રી જયશંકરે એચ-1બી વીસા કાર્યક્રમનું નામ લીધા વિના અમેરિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.  

હજારો વિદ્યાર્થીઓના હિતનો કર્યો વિચાર

વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સપ્તાહે અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટીના એક્ટિંગ સેક્રેટરી કેવીન મેકએલીનન સાથેની બેઠકમાં લીગલ  ઈમિગ્રેશન અને અમેરિકન કોલેજોમાં પ્રવેશ મેળવનારા હજારો ભારતીય વિદ્યાર્થીઓના હિતોની સાથે એચ-1બી વિસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જયશંકરે ટ્વીટમાં શું લખ્યું ?

જયશંકરે એક ટ્વીટમાં લખ્યું કે મેકએલીનન સાથે ‘કાયદેસરના પ્રવાસને પ્રોત્સાહન, ટેલેન્ટ ફ્લોની ખાતરી અને વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ અંગે ચર્ચા થઈ હતી.’ જોકે કોઈપણ પક્ષે આ અંગે વધુ વિગતો જાહેર નથી કરી, પરંતુ આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ‘ટેલેન્ટ ફ્લો’ શબ્દનો ઉપયોગ એચ-1બી વીસા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કરાયો હતો.

આ કાર્યક્રમ હેઠળ અમેરિકા અમેરિકન કંપનીઓ માટે જરૂરી વિદેશી પ્રોફેશનલ્સને ત્રણ વર્ષ માટે કુલ 85,000 વીઝા મંજૂર કરે છે, જેમાં 70 ટકા એચ-1બી વીસા ભારતીય પ્રોફેશનલ્સ મેળવતા હોય છે. માઈક્રોસોફ્ટ, ફેસબૂક અને ગૂગલ, નાની અમેરિકન કંપનીઓ તથા ભારતીય આઈટી કંપનીઓ ઈન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો અને મહિન્દ્રાની યુએસ પેટા કંપનીઓ એચ-1બી વીસા હેઠળ ભારતીય પ્રોફેશનલ્સને નોકરી પર રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.