ટ્રમ્પને મળ્યો મિત્રતાનો લાભઃ ફ્રાંસીસી દવા કંપનીએ કહ્યું, વેક્સિન પહેલા USને મળશે

સૈનોફી કંપની પ્લાકેનિલ બ્રાન્ડના નામે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું વેચાણ કરે છે જેથી આ દવામાં ટ્રમ્પનો અંગત સ્વાર્થ રહેલો છે

 

ફ્રાંસની દવા ઉત્પાદક કંપની સૈનોફીએ પોતાની પ્રથમ વેક્સિન સૌથી પહેલા અમેરિકાને આપશે તેવું જાહેર કર્યું છે. થોડા સપ્તાહ પહેલા એક અમેરિકી સમાચારપત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કંપનીના શેર ધરાવે છે તેવો ખુલાસો કર્યો હતો. ટ્રમ્પે સૈનોફી કંપનીમાં રોકાણ કરેલું છે અને કદાચ આ કારણે જ સૈનોફીએ પોતાની કોરોના વેક્સિન સૌથી પહેલા અમેરિકાને આપવાનું જાહેર કર્યું છે. સૈનોફી કંપનીના સીઈઓ પોલ હડસનના કહેવા પ્રમાણે અમેરિકાએ આ કંપનીમાં ખૂબ રોકાણ કર્યું છે માટે કંપની દ્વારા બનાવવામાં આવનારી પ્રથમ કોરોના વેક્સિન પર અમેરિકાનો અધિકાર છે.

પોલ હડસને યુરોપ આ મામલે પાછળ ચાલી રહ્યું છે તેવી ચેતવણી આપી હતી. યુરોપમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અમેરિકાએ ફેબ્રુઆરીમાં જ સૈનોફીમાં વધુ રોકાણ કર્યું હતું અને કંપનીની વેક્સિન માટે પ્રી-ઓર્ડર આપ્યો હતો. વિશ્વમાં કોરોના વેક્સિન માટે કામ કરી રહેલી સૌથી મોટી કંપનીઓમાં સૈનોફીનો સમાવેશ થાય છે અને અમેરિકાના કહેવા પર સૈનોફીએ પોતાની પ્રતિસ્પર્ધી કંપની ગ્લૈક્સોસ્મિથક્લાઈ સાથે ડીલ કરી છે. ડીલ પ્રમાણે બંને કંપનીઓ સાથે મળીને એક વર્ષમાં 60 કરોડ વેક્સિન બનાવી શકશે.

ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હાલ ઓપરેશન વાર્પ સ્પીડ ચલાવી રહી છે જેના અંતર્ગત અમેરિકા અનેક દવા કંપનીઓને કોરોના વેક્સિનના રિસર્ચ માટે ફન્ડિંગ સહિત અનેક પ્રકારની મદદ આપી રહ્યું છે. અમેરિકાની બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે બાર્ડા (BARDA)એ સૈનોફીને કોરોના વેક્સિન પર કામ કરવા માટે 30 મિલિયન ડોલર એટલે કે, 226 કરોડ રૂપિયાથી વધારે આપેલા છે.

બાર્ડા અને સૈનોફી વચ્ચેનો સબંધ ઘણો જૂનો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાએ ઈન્ફ્લુએન્ઝાની રસી વિકસિત કરવા સૈનોફીને 226 મિલિયન ડોલર એટલે કે, 1,705 કરોડ રૂપિયાથી વધારેનું ભંડોળ આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનમાં વધુ રસ લઈ રહ્યા છે તેમાં તેમનો અંગત ફાયદો પણ સમાયેલો છે. જો હાઈડ્રોક્સીક્લોરોક્વીનને સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટે મંજૂરી મળે તો આ દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને ખૂબ ફાયદો થશે. ટ્રમ્પ આવી જ એક કંપનીના શેર ધરાવે છે અને તેના મોટા અધિકારીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

ટ્રમ્પ સૈનોફી કંપનીના શેર ધરાવે છે અને આ કંપની હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને પ્લાકેનિલ બ્રાન્ડના નામથી બજારમાં વેચે છે. ભારતમાં દર વર્ષે અનેક લોકો મેલેરીયાનો ભોગ બને છે જેમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા અક્સીર સાબિત થાય છે જેથી ભારતમાં તેનું મોટા પાયે ઉત્પાદન પણ થાય છે. આ દવા એન્ટી મેલેરીયા ડ્રગ ક્લોરોક્વીન કરતા થોડી અલગ છે. ટેબ્લેટ સ્વરૂપની આ દવાનો ઉપયોગ સંધિવા સહિતના ઓટોઈમ્યુન રોગોમાં થાય છે અને તે કોરોના સામે ઉપયોગી હોવાનું પણ સામે આવ્યું છે.

ખાસ કરીને સાર્સ-સીઓવી-2 ઉપર આ દવાની વિશેષ અસર પડે છે. આ એ જ વાયરસ છે જે કોવિડ-2નું કારણ બને છે અને આ કારણે જ કોરોનાના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ અપાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.