ત્યાગ- તપસ્યા- દાન- પુણ્યનું પર્વ શ્રી પુરુષોત્તમ માસ

– ‘પુરુષોત્તમ માસમાં ભાગવત કથા શ્રવણ રાધેશ્યામની પૂજા અને તીર્થસ્થાનો પર સ્નાન- દાનનું અનેરું મહત્ત્વ છે.

ભારતીય ધર્મશાસ્ત્રમાં દર ત્રણ વર્ષે આવતો અધિક માસને ખૂબ પવિત્ર ગણ્યો છે. આ માસમાં જપ, તપ, દાન, હવન, પૂજા, અર્ચના દ્વારા યથાશક્તિ, ઇશ્વર સ્મરણ કરવાનું વિધાન છે. પુણ્યકર્મનું અધિક ફળ આપનાર અધિક માસ છે. આ માસમાં વ્રત, ઉપવાસની સાથે ભગવાન પુરુષોત્તમની ભક્તિનો નિયમ અને વિધાનનું સંયમ તથા પવિત્રતાથી પાલન કરવાનું જણાવવામાં આવે  છે. પુરાણો અને શાસ્ત્રોમાં અધિક માસ દરમિયાન વ્રત નિયમોનો અર્થ- સંદર્ભ અને આચરણ વિશે કહેવામાં આવ્યું છે.

ભાગવત્ પુરાણ અનુસાર આ માસમાં કરવામાં આવેલા બધા જ શુભકાર્યોનું પુણ્ય અધિક માત્રામાં હોય છે. ‘પુરુષોત્તમ માસમાં ભાગવત કથા શ્રવણ રાધેશ્યામની પૂજા અને તીર્થસ્થાનો પર સ્નાન- દાનનું અનેરું મહત્ત્વ છે. અહીં ‘ઓમ નમો: ભગવતે વાસુદેવાય’ના મંત્રનો સતત જાપ તથા ગુરુ પ્રદત્ત મંત્ર નિયમિત જપ-શક્તિ પ્રદાન કરનાર મનાયો છે. આ માસમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ, પુરુષસૂક્ત, શ્રીસૂક્ત, હરિવંશપુરાણ અને એકાદશી માહાત્મ્યની કથાના શ્રવણથી જ બધા મનોરથો પૂર્ણ થાય છે. જો કે અધિક માસમાં શુભ મંગલ કાર્યો કરવા માટે નિષેધ છે. માત્ર ધાર્મિક વિધિઓનું જ ફરમાન છે.

એક સમયે અધિષ્ઠાતા દેવ વિનાનો તથા સૂર્યસંક્રાંતિ વિનાનો મળ માસ વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુના શરણે ગયો અને પોતાની તકલીફોની ફરિયાદ કરી. શ્રી વિષ્ણુએ કહ્યું, ‘હે વત્સ ! શાંતિથી ગોલોકમાં બિરાજનાર ભગવાન શ્રીકૃષ્ણ સર્વ દુ:ખ હરનારા તથા સૌનું કલ્યાણ કરનારા છે તેમના શરણે જવાથી સંસારના ત્રિવિધ તાપ શાંત થાય છે. તેથી હું તને તેમના શરણે લઈ જઈશ. જ્યાં તારા બધા દુ:ખોનું નિવારણ થઈ જશે.

આ મળમાસ તથા વિષ્ણુ ભગવાને શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી અને મળ માસની વ્યથા સંભળાવી પ્રત્યુત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું ‘હે પ્રભુ! ભગવન્ત ! આપ જ્યારે આ મળ માસને લઈને મારે શરણે આવ્યા છો તેથી આજથી હું જ આ માસનો સ્વામી છું. આપ તો જાણો છો કે જેનો કોઈ નથી તેનો હું છું.’ વળી હું પુરુષોત્તમ કહેવાઉં છું તેથી હવે આ માસ મારા નામ ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાશે. ‘પુરુષોત્તમ માસ’માં જે કંઈ જપ- તપ- વ્રત- દાન કરશે તેને અધિકગણું ફળ મળશે. આ મારો પવિત્ર પુરુષોત્તમ માસ દર ત્રીજા વર્ષે આવશે.

‘અધિકસ્ય અધિકં ફલં’ અનુસાર અધિક માસમાં કરેલું દાન- પુણ્ય અધિક ફળ આપનારું છે. આ માસમાં ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના શ્રેષ્ઠ છે. અખંડ જ્યોત રાખીને આ પુરુષોત્તમ માસમાં સવાલક્ષ ‘ઓમ શ્રી કૃષ્ણાય નમ:’ના મંત્રનો જાપ કરવાથી યજ્ઞા જેટલું ફળ પ્રાપ્ત થાય છે.’

પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથાના એકત્રીસ અધ્યાયમાં

અમૃતધારામાં પ્રસિદ્ધ કાંઠાગોરની અદ્ભુત કથા વર્ણવવામાં આવી છે.જેમાં એક સાસુએ પોતાની મોટી વહુને જણાવ્યું પુરુષોત્તમ ભગવાન અને કાંઠાગોરનું અપમાન કરવાથી આપત્તિ ને કષ્ટ આવે છે તેથી હવે ખભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં કંકુ- સોપારી, શ્રીફળ, અબીલ, ગુલાલ, દીપ-ધૂપથી કાંઠાગોરનું પૂજન કરવાથી ભગવાન પ્રસન્ન થઈને ઘરમાં સુખ-સમૃદ્ધિ છલકાવશે.

આ પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેથી આ માસના કલ્યાણકારી ભગવાન શ્રીકૃષ્ણને કોટિ કોટિ પ્રણામ

।। ઓમ શ્રી કૃષ્ણાય નમ:, ઓમ

પુરુષોત્તમાય નમ:

ઓમ નમો ભગવતે વાસુદેવાય ।।

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.