UAEમાં IPL યોજાશે, સરકારની મંજૂરી : 18મીએ સ્પોન્સર અંગે ફેંસલો

– 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ત્રણ સ્થળોએ મેચો રમાશે

– પતંજલી પણ સ્પોન્સરશિપની રેસમાં જોડાય તેવી શક્યતા : ચેન્નાઈની ટીમ 22મીએ રવાના થશે

ભારત સરકારે બીસીસીઆઇની હાઈપ્રોફાઈલ આઇપીએલનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં કરવા માટેની મંજૂરી આપી દીધી છે.  હવે તારીખ 19મી સપ્ટેમ્બરથી તારીખ 10મી નવેમ્બર દરમિયાન શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં આઇપીએલના મુકાબલા ખેલાશે. બીસીસીઆઇની સલાહ અનુસાર હવે તમામ ટીમો તારીખ 20મી ઓગસ્ટ બાદ જ યુએઈ જવા માટે રવાના થશે.

ચીનના ઉત્પાદનો અને કંપનીઓ સામેનો જનાક્રોશ જોતા ચીનની કંપની માત્ર ચાલુ વર્ષ માટે જ આઇપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે ખસી ગઈ છે. હવે તેના સ્થાને નવા સ્પોન્સરની શોધ શરૂ કરી દેવામાં આવી છે અને આ અંગેનો નિર્ણય તારીખ 18મી ઓગસ્ટના રોજ લેવાશે તેવી જાહેરાત પણ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કરી હતી. એક વર્ષ માટે આઇપીએલના ટાઈટલ સ્પોન્સર માટેની રેસમાં પતંજલી પણ સામેલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીના આગ્રહના કારણે ફ્રેન્ચાઈઝીએ યુએઈ માટે રવાના થતાં પૂર્વે ચેપોક સ્ટેડિયમમાં કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાર બાદ તેઓ તારીખ 22મી ઓગસ્ટ યુએઈ માટે રવાના થશે. દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે ટુર્નામેન્ટ યુએઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.