મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને ચેલેન્જ આપતા કહ્યું છે કે, જો હિંમત હોય તો અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને મારીને બતાવો. અને NCP નેતા નવાબ મલિકનો બચાવ કરતા મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમણે કહ્યું કે, જો માની લો કે નવાબ મલિકના સંબંધો દાઉદ ઈબ્રાહિમ સાથે છે તો આટલા વર્ષોથી કેન્દ્રીય એજન્સીઓ શું કરી રહી હતી? તેમણે પૂછ્યું કે, આતંકી અફઝલ ગુરુ અને બુરહાન વાની સાથે સહાનુભૂતિ રાખનારા PDPની સાથે મળીને BJPએ સરકાર શા માટે બનાવી હતી? આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર BJP ધારાસભ્યોએ નવાબ મલિકના રાજીનામાની માગને લઈને પ્રદર્શન કર્યું.
શિવસેનાના અધ્યક્ષ અને CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, BJPએ ગત ચૂંટણી રામ મંદિરના મુદ્દાને લઈને લડી હતી, પરંતુ આ વખતે દાઉદ ઈબ્રાહિમના નામ પર વોટ માગશે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાનું ઉદાહરણ આપીને કહ્યું કે, ઓબામાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. પરંતુ પોતાની તે કામગીરી માટે ક્યારેય વોટ નથી માંગ્યા.અને તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ પર નિશાનો સાધતા કહ્યું કે, EDએ દેવેન્દ્ર ફડણવીસને નોકરી પર રાખી લેવા જોઈએ.
મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી NCPના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી હતી અને તેમને 4 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મલિક દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં આરોપી છે.અને ED મલિકના કુર્લા સંપત્તિ સોદાની તપાસ કરી રહ્યું છે, જ્યાં 1999-2003માં કુર્લામાં 3 એકર જમીન માટે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરને ચુકવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનાની સહયોગી પાર્ટી NCPએ પોતાના નેતા નવાબ મલિકને અસ્થાયીરીતે તેમના તમામ પદો પરથી હટાવી દીધા હતા. EDએ કાર્યવાહી કરતા નવાબ મલિકની મની લોન્ડ્રિંગ કેસમાં 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, મંગળવારે EDએ કાર્યવાહી કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટનકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં મુંબઈ પાસે આવેલા ઠાણેમાં EDએ પુષ્પક ગ્રુપની કંપનીઓમાં સામેલ મેસર્સ પુષ્પક બુલિયનની આશરે 6.45 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ જપ્ત કરી લીધી હતી અને કુલ 11 આવાસીય ફ્લેટને સીલ કરી દીધા હતા. અને મુખ્યમંત્રીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તમે સત્તામાં આવવા માગો છો તો આવો પરંતુ, અમારા અથવા અમારા સંબંધીઓ કે પરિવારને હેરાન ના કરો. તે પહેલા EDએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને CM ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે, એક મંત્રી અને તેમના સહયોગી અનિલ પરબ વિરુદ્ધ છાપા માર્યા હતા. EDની આ કાર્યવાહીને લઈને હવે શિવસેનાએ BJP પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર કેટલાક રાજકીય વિરોધીઓને નિશાનો બનાવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.