UKથી અમદાવાદ આવનારા મુસાફરોનો થશે જ RTPCR ટેસ્ટ, રીઝલ્ટ નહીં આવે ત્યાં સુધી એરપોર્ટમાં જ રહેવું પડશે

– કોરોનાના નવા સ્ટ્રેઇનને પગલે ડીજીસીએનો નિર્ણય
– ૨૪૬ મુસાફરો બ્રિટનથી અમદાવાદ આવશે : ટેસ્ટના રીઝલ્ટ નહીં આવે ત્યાં સુધી એરપોર્ટમાં જ રહેવું પડશે

યુનાઇટેડ કિંગડમમાં નવા દેખાયેલા કોરોના સ્ટ્રેઇનના પગલે પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ભારત સહિત અનેક દેશોએ બ્રિટન માટેની ફ્લાઇટ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે ૧૧ કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટ લંડનથી અમદાવાદ પહોંચશે. આ ફ્લાઇટમાં બ્રિટનથી અમદાવાદ આવી રહેલા તમામ ૨૪૬ મુસાફરોનો અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જ રીવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઇન રીએક્શન (આરટીપીસીઆર) ટેસ્ટ કરવામાં આવશે. આ તમામ મુસાફરો-ક્રુ મેમ્બર્સના આરટીપીસીઆરના ટેસ્ટના રીઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તેમને એરપોર્ટથી બહાર નહીં જવા દેવામાં આવે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસને પગલે માર્ચ મહિનાથી ભારતથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ  ફ્લાઇટ બંધ છે. હાલમાં વિદેશ માટેના મુસાફરો સ્પેશિયલ ફ્લાઇટથી અવર-જવર કરી રહ્યા છે. જેના ભાગરૃપે આવતીકાલે સવારે ૧૧ કલાકે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદની ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન થશે. આ ફ્લાઇટમાં ૧૬ મુસાફરો બિઝનેસ ક્લાસના અને ૨૩૦ ઈકોનોમી ક્લાસના છે.

બ્રિટનથી આવી રહેલા આ ૨૪૬ મુસાફરોનો અમદાવાદ એરપોર્ટ ખાતે જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આરટીપીસીઆર ટેસ્ટના રીઝલ્ટને આવતા ઓછામાં ઓછા ૬ થી ૮ કલાકનો સમય થઇ શકે છે. આ રીઝલ્ટ આવે નહીં ત્યાં સુધી તમામ મુસાફરો-ક્રુ મેમ્બર્સને ઇન્ટરનેશનલ ટર્મિનલમાં જ રહેવું પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આરટીપીસીઆર ટેસ્ટના રીઝલ્ટ આવતા ઓછામાં ઓછો ૮ કલાકનો સમય લાગશે. જે મુસાફરનો રીઝલ્ટ નેગેટિવ હશે તેમને ૭ દિવસ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી જવા દેવામાં આવશે. જે મુસાફરના કોરોના પોઝિટિવ હશે તેમને ક્વોરેેન્ટાઇન કરીને સારવાર માટે મોકલાશે.

ઇન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, ‘૨૪૬ મુસાફર અને ક્રુ મેમ્બર્સ એમ અંદાજે ૨૬૦ લોકો આવતીકાલે બ્રિટનથી અમદાવાદ આવી રહ્યા છે. બ્રિટનથી આવી રહેલા આ મુસાફરો પૈકી કોરોનાના નવા સ્ટ્રેઇન ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવી જવાશે તો તેવો ભય ઈમિગ્રેશન ઓફિસર-એરપોર્ટના સ્ટાફમાં વ્યાપી જવો સ્વાભાવિક છે. બ્રિટનથી આવી રહેલા મુસાફરોની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ ઇન્ટરનેશનલ  ટર્મિનલને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવે તે જરૃરી છે. ‘


અમદાવાદ-લંડનની મંગળવારની ફ્લાઇટ કેન્સલ

એર ઇન્ડિયાની ફ્લાઇટ મંગળવારે સવારે લંડનથી અમદાવાદ આવશે. આ જ એરક્રાફ્ટ મંગળવારે સાંજે અમદાવાદથી લંડન માટે રવાના થવાની હતી. જેમાં ૨૨૦ ઈકોનોમી અને ૮ બિઝનેસ ક્લાસના મુસાફરો હતા. પરંતુ હવે ૩૧ ડિસેમ્બર સુધી ભારત-બ્રિટન વચ્ચેની ફ્લાઇટ બંધ રાખવાના નિર્ણય બાદ આવતીકાલે અમદાવાદ-લંડનની ફ્લાઇટ રદ રહેશે.

 




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.