– ચીનના ઉત્પાદનોને ખામીવાળા ગણાવવાનું વલણ બેજવાબદારપૂર્ણ
ભારતમાં કોરોના વાઈરસ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ચીનમાંથી વ્યાપક સ્તરે રેપિડ ટેસ્ટિંગ કિટ મગાવવામાં આવી હતી, પરંતુ આ કિટ ખામીવાળી નિકળતાં ભારતે તે પરત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ચીને પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઉલટાનું ભારતના આ નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ભારતે કિટનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. દેશમાં કોરોના વાઈરસ સામેની જંગનું નેતૃત્વ કરી રહેલી ટોચની મેડિકલ સંસ્થા આઈસીએમઆરે મંગળવારે રાજ્યોને ચીનની બે કંપનીઓ પાસેથી મંગાવેલી ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરતા અટકાવ્યા છે અને આ કિટ પરત કરવાનો નિર્ણય લીધો છે.
ચીનની બે કંપનીઓએ ભારતને પૂરી પાડેલી કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કિટના પરિણામોના ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા કરાયેલા આકલન અને આ કિટનો ઉપયોગ નહીં કરવાના આઈસીએમઆરના નિર્ણય અંગે ચીને મંગળવારે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે આશા વ્યક્ત કરી કે ભારત આ મુદ્દાનો ‘તર્કસંગત અને યોગ્ય’ ઉકેલ લાવશે. ભારતે ચીનની બે કંપનીઓ વોન્ડફો બાયોટેક અને ઝુહાઈ લિવઝોન ડાયગ્નોસ્ટિક પાસેથી ટેસ્ટિંગ કિટ મગાવી હતી, જેના પરફોર્મન્સમાં ‘ઘણા જ તફાવત’ જોવા મળ્યા હતા.
આઈસીએમઆરના નિર્ણય અંગે ચીનની એમ્બસીના મહિલા પ્રવક્તા જિ રોન્ગે જણાવ્યું હતું કે, આઈસીએમઆરે ટેસ્ટિંગ કિટના પરિણામોના કરેલા આકલન અને નિર્ણય અંગે અમે ચિંતિત છીએ. ચીન મેડિકલ ઉત્પાદનોની નિકાસની ગુણવત્તાને ખૂબ જ મહત્વ આપે છે. કેટલાક લોકો દ્વારા ચીનના ઉત્પાદનોને ‘ખામીવાળા’ ગણાવવા તે અયોગ્ય અને બેજવાબદારપૂર્ણ છે. ભારતે આ મુદ્દે પૂર્વગ્રહ વિના જોવું જોઈએ.
જોકે, રોન્ગે કહ્યું કે ચીન ભારતની કોરોના સામેની લડાઈમાં સહયોગ આપવાનું ચાલુ રાખશે અને કોરોનાથી બંને દેશના લોકોને બચાવવાના પડકારનો સામનો કરવા માટે ભારત સાથે સંયુક્તપણે કામ કરશે. ભારતે ચીનની બે કંપનીઓ પાસેથી બે સપ્તાહ અગાઉ ૫,૦૦,૦૦૦ રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ ખરીદી હતી અને રાજ્યોમાં તેનું વિતરણ કર્યું હતું. રાજ્યોમાંથી ટેસ્ટિંગ કિટના પરિણામ અંગે ફરિયાદો આવ્યા પછી આઈસીએમઆરે તેના પરફોર્મન્સની તપાસ કરી હતી અને બધી જ કિટ સપ્લાયરોને પરત કરવાનો નિર્ણય કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.