આજથી એટલે કે શનિવારે 11 ડિસેમ્બરથી ઉંઝામાં ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. કચ્છના કડવા પાટીદાર સમુદાયમાં સતપંથ અને સનાતન મુદ્દે નવો વળાંક જોવા મળી રહ્યો છે. સતપંથીઓને સામેલ કરવાને લઈને કચ્છના કડવા પાટીદાર સમાજે આકરું વલણ અપનાવ્યું છે. તેઓએ આ શિલાન્યાસ મહોત્સવથી અલગ રહેવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણયે પાટીદાર સમાજમાં હાહાકાર મચાવી દીધો છે.
કડવા પાટીદાર સમાજે ઉમિયા માતાજી સંસ્થાને એક પત્ર લખ્યો છે અને તેમાં આર્થિક લાભ મેળવવા માટે વિધર્મીને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ મૂક્યો છે. પહેલા પણ યોજાયેલા લક્ષચંડી યજ્ઞમાં પણ તેમની સાથે અલગ વ્યવહાર કરાતા વિવાદ સર્જાઈ ચૂક્યો છે.
ઉંઝા વિશ્વભરના કડવા પાટીદારોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. જો આ લોકો મંદિરનો વિરોધ કરે તો તે પાટીદારો માટે મોટી વાત છે. કડવા પાટીદારોની કુળદેવીનું મુખ્ય ધામ ઉમિયાધામ ગણાય છે.
વર્ષો પહેલા પીરની માયાજાળમાં ફસાઈને અનેક સંતો અને સમાજ સુધારકોએ આ પંથ સામે ઝુંબેશ ચલાવી હતી. તેઓએ જાગૃતિ અભિયાન ચલાવતા મોટાભાગનો સમુદાય સનાતન પ્રવાહમાં આવ્યો. આજે પણ અમુક લોકો પીરાણા ઈમામશાહને માને છે અને તેને લઈને પણ વિવાદ સર્જાયેલો જ છે. આ ઈમામશાહનો પંથ હિન્દુ ધર્મ નથી તેવો અભિપ્રાય પહેલા પણ અપાયો છે. આ માટે એક લવાદ કમિટી બનાવવામાં આવી હતી પણ વિવાદ જેમ હતો એમ જ રહ્યો હતો.
આજે યોજાનારા શિલાન્યાસમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે તેવી માહિતિ આવી રહી છે. આ મહોત્સવ સતત 3 દિવસ સુધી ચાલુ રહેશે. આ મહોત્સવના આખરી દિવસે એટલે કે 13 ડિસેમ્બરે PM મોદી વર્ચ્યુઅલી જોડાશે. આપને જણાવી દઈએ કે રૂ.1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે અને સાથે જ અહીં 1200 વિદ્યાર્થી રહી શકે તેવી હોસ્ટેલ બનાવાશે. આ સિવાય પણ અન્ય અનેક સુવિધાઓ આ ધામમાં મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.