ઉન્નાવ રેપ પીડિતાના ભાઇએ કાળજું કંપાવતી વાત કરી- મડદામાં સળગાવા જેવું બચ્યું નથી, આથી…

જિંદગી સામે જંગ હારી ગયેલી ઉન્નાવ રેપ પીડિતાના ભાઈએ પોતાની બહેન વિશે હચમચાવી દેતી વાત કહી છે. પીડિતાના ભાઈએ પોતાની બહેન માટે ન્યાયની માંગ કરતા શનિવારે જણાવ્યું કે, આરોપીઓના પણ એવા જ હાલ કરવામાં આવે જેવા તેની બહેનના થયા હતા. પીડિતાના ભાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે બહેને મને આજીજી કરી હતી કે ભાઈ મને બચાવી લે. મેં બહેનને કહ્યુ હતુ કે, તું ચિંતા ન કરતી, તને કંઈ નહીં થાય. હું ખૂબ દુઃખી છું કે મારી બહેનને બચાવી ન શક્યો.

‘અંતિમસંસ્કાર કરવા જેવું બચ્યું નથી’

અંતિમ સંસ્કાર અંગે પીડિતાના ભાઈએ કહ્યુ કે, હવે તેના શરીરમાં કંઈ સળગાવવા જેવું રહ્યું જ નથી. અમે મૃતદેહને અમારા ગામ લઈ જઈશું, ત્યાં દફન કરી દઈશું. સાથે જ તેણે કહ્યું કે આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવે કે પછી તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવે તેનાથી અમને કોઈ ફર્ક નથી પડતો, અમે એટલું જ ઇચ્છીએ છીએ કે તેઓ જીવતા ન રહેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતા શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે જિંદગી સામેની લડાઈ હારી ગઈ હતી. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

દીકરીના મોત બાદ તેના લાચાર પિતાએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, “પોલીસે જેવી રીતે હૈદારાબાદ એન્કાઉન્ટરના દોષિતોને દોડાવીને ગોળી મારી હતી, મારી દીકરી સાથે અધમ કૃત્ય કરનારા નરાધમોને પણ એવી જ સજા મળવી જોઇએ.” તેમણે સરકાર પાસેથી એન્કાઉન્ટર કે ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. પીડિતાના પિતાએ કહ્યુ કે, મને પૈસાની કોઈ લાલચ નથી. અમારી એક જ માંગણી છે કે મારી દીકરીનાં મોત બાદ ન્યાય મળે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જ પીડિત યુવતીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે, જે બાદ મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.