પાકિસ્તાન હથિયારોની તસ્કરી, માદક પદાર્થોના વેપાર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોનું ગઢ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેના પર જોરદાર પ્રહારો કર્યા હતા અને સમગ્ર વિશ્વના દેશો સમક્ષ આતંકવાદ વિરૂદ્ધ અભિયાન ચલાવવા વિનંતી કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું કે, 1993ના મુંબઈ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા અન્ય આતંકવાદીઓ પાડોશી દેશના આશરે છે. આ સાથે જ ભારતે ભાગેડુ કુખ્યાત આરોપીઓ અને લશ્કર એ તૈયબા તથા જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો દ્વારા સર્જાયેલા જોખમને નષ્ટ કરવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની વાત કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘આતંકવાદ અને સંગઠિત અપરાધ વચ્ચે સંબંધોના મુદ્દાનો ઉકેલ’ વિષય પર ઉચ્ચસ્તરીય ખુલ્લી ચર્ચામાં ભારતે આ વાતો કરી હતી. ભારત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ભારત સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. અમે બે દેશો વચ્ચે સંગઠિત અપરાધ અને આતંકવાદ વચ્ચેના સંબંધોના ડંખને પ્રત્યક્ષરૂપે સહન કર્યો છે.’
ભારતે જણાવ્યું કે, ‘સંગઠિત અપરાધી સિન્ડિકેટ, ડી-કંપની, જે સોના અને નકલી નોટોની હેરાફેરી કરતા હતા તેઓ રાતોરાત આતંકવાદી સંગઠનમાં ફેરવાઈ ગયા અને તેમણે 1993માં મુંબઈ શહેરમાં તબક્કાવાર વિસ્ફોટ કરાવ્યા. તે હુમલામાં 250 કરતા વધુ નિર્દોષોનો ભોગ લેવાયો તથા લાખો-કરોડો ડોલરની સંપત્તિનું નુકસાન થયું.’
નિવેદનમાં કોઈ દેશનું નામ લીધા વગર જ કહેવામાં આવ્યું હતું કે, મુંબઈ વિસ્ફોટોનો સૂત્રધાર એક પાડોશી દેશના સંરક્ષણમાં છે અને તેમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ કે તે સ્થળ હથિયારોની તસ્કરી, માદક પદાર્થોના વેપાર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોનું ગઢ છે. ભારતે ઈસ્લામિક સ્ટેટ વિરૂદ્ધની સંયુક્ત કાર્યવાહીની સફળતાને રેખાંકિત કરતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની કાર્યવાહીઓ સફળ થાય છે. ભારતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પ્રતિબંધિત વ્યક્તિઓ અને સંગઠનો જેવા કે દાઉદ અને ડી-કંપની, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાથી જ માનવતાની ભલાઈ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.