ઉત્તર પ્રદેશમાં બાગપતના પૂર્વ ભાજપા અધ્યક્ષની ગોળી મારીને હત્યા

– યોગી આદિત્યનાથે મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તપાસના આદેશ આપ્યા

ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વ જિલ્લાધ્યક્ષ સંજય ખોખરની ગુંડાઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જાણવા મળ્યા મુજબ ત્રણ અજ્ઞાત ગુંડાઓએ સંજય ખોખરની હત્યા કરી હતી. સંજય ખોખર પોતાના ખેતર બાજુ મોર્નિંગ વોક માટે નીકળ્યા તે સમયે ગુંડાઓએ તેમને ગોળી મારી દીધી હતી.

બાગપતના છપરૌલી થાણા ક્ષેત્રમાં વહેલી સવારે થયેલી આ હત્યાને લઈ તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. સંજય ખોખર મંગળવારે વહેલી સવારે એકલા જ ઘરેથી આંટો મારવા નીકળ્યા હતા અને તે સમયે હુમલાખોરોએ તેમના પર નિશાન સાધ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આ ઘટનાને લઈ સ્થાનિકો અને ભાજપ સાથે જોડાયેલા લોકોએ પોલીસ પ્રશાસન, કાયદાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.

યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપતના પૂર્વ ભાજપ જિલ્લા અધ્યક્ષ સંજય ખોખરના મૃત્યુને લઈ ગાઢ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત સંજય ખોખરના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે તપાસ કરીને દોષિતો વિરૂદ્ધ 24 કલાકની અંદર કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે અને આ કેસમાં મુખ્ય ગુનેગારને પણ શોધવામાં આવશે તેની ખાતરી આપી હતી.

બાગપતમાં અગાઉ પણ આ પ્રકારની ગોળીબારની ઘટનાઓ બનેલી છે. જૂન મહીનામાં ભાજપના નેતાના દીકરાની આ પ્રકારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.