બંગાળની ખાડીમાં બની રહેલું ઓછા દબાણનું ક્ષેત્ર 24થી 48 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે
દેશના 12થી પણ વધારે રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ બીજી અને ત્રીજી મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.
તે સિવાય ચોથી મેના રોજ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે આંદામાન-નિકોબારમાં પાંચમી મે સુધી ભારે વરસાદની શક્યતા છે. ગુરૂવારે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સહિત કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે દેશના વિભિન્ન ક્ષેત્રોમાં આંધી, તોફાન, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હોવાની માહિતી આપી હતી. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દક્ષિણી આંદામાન સાગર પાસે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું એક ક્ષેત્ર બની રહ્યું છે જે આગામી 24થી 48 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
હાલ તે મ્યાંમાર અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે અને બીજી પણ ત્રણ ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ રહી છે. તે પૈકીની એક પશ્ચિમ બંગાળની ઉપર, બીજી દક્ષિણી ઓડિશાની ઉપર અને ત્રીજી કન્યાકુમારીની આસપાસ હિંદ મહાસાગરમાં બની છે. તે સિવાય દક્ષિણી રાજસ્થાનથી મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તામિલનાડુ સુધી દ્રોણિકા (ટર્ફ લાઈન) સર્જાઈ છે અને અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી પણ હવા સાથે ભેજ આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.