યુપીના કેબિનેટ મંત્રી કમલ વરૂણનું અવસાન, બે સપ્તાહ પહેલા કોરોના રિપોર્ટ આવેલો પોઝિટિવ

શ્રીમતી વરૂણજી 11મી અને 12મી લોકસભાના સદસ્ય પણ હતા

 

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલ વરૂણનું અવસાન થયું છે. તેમનું આખું નામ કમલ રાની વરૂણ હતું અને તેઓ યુપી વિધાનસભાના સદસ્ય હતા. આના પહેલા તેઓ સાંસદ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. કમલ રાની વરૂણ યુપી સરકારમાં ટેક્નિકલ એજ્યુકેશન મંત્રી હતા. કમલ વરૂણ કોરોનાથી સંક્રમિત થયા હતા અને લખનૌ ખાતે આવેલી પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી.

કમલ રાની વરૂણ ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. કમલ રાનીનું કોરોનાના કારણે અવસાન થયું છે. તેઓ 18 જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાદમાં સારવાર માટે તેમને લખનૌ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કમલ વરૂણનો જન્મ 3 મે 1958ના રોજ થયો હતો. ગત મહીને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે સંક્રમિત મળી આવ્યા હતા.

તેમના અવસાન પર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ લખ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશ સરકારમાં મારા સહયોગી, કેબિનેટ મંત્રી શ્રીમતી કમલ રાની વરૂણજીના કસમય મૃત્યુની સૂચના વ્યથિત કરનારી છે. પ્રદેશે આજે એક સમર્પિત જનનેત્રી ગુમાવ્યા છે. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ!’

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલી ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ‘આજે દિનાંક 02-08-2020ના રોજ પ્રાતઃ આશરે 9:30 કલાકે શ્રીમતી કમલ રાની વરૂણજી, તકનીકી શિક્ષણ મંત્રીનું SGPGI લખનૌ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું છે. શ્રીમતી વરૂણજી ઘાટમપુર, કાનપુર નગરથી ધારાસભ્ય હતા. તેના પહેલા શ્રીમતી વરૂણજી 11મી અને 12મી લોકસભાના સદસ્ય પણ હતા. શ્રીમતી વરૂણજીએ એક જનપ્રતિનિધિ તરીકે જન આકાંક્ષાઓનું સન્માન રાખેલું. મંત્રી તરીકે વિભાગીય કાર્યોનું કુશળતાપૂર્વક વહન કરવામાં પ્રશંસનીય યોગદાન આપેલું. તેમનું અવસાન સમાજ અને સરકાર માટે ભરી ન શકાય તેવી ખોટ સમાન છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.