ઉત્તરપ્રદેશમાં ક્લાકોમાં 100 કરોડ, કર્ણાટકમાં 45 કરોડનો દારૂ વેચાયો

– દેશમાં દારૂની દુકાનો પર 2-3 કિ.મી. લાંબી લાઈનો

– દિલ્હી સહિતના રાજ્યોમાં દારૂની દુકાનો પર નિયમો એળે મુકાતા દુકાનો બંધ કરાવવી પડી

નવી દિલ્હી, તા.04 મે 2020, સોમવાર

દેશમાં ત્રીજા તબક્કાના લૉકડાઉન વચ્ચે ૪૦ દિવસ પછી સોમવારે અનેક રાજ્યોમાં દારૂની દુકાનો ફરીથી ખુલી હતી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમોનો છડેચોક ભંગ થયો હતો. પરિણામે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કેટલાક કલાકોમાં સરકારે દારૂની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, લૉકડાઉનમાં છૂટછાટનો પ્રથમ દિવસે જ સમગ્ર દેશમાં કરોડો રૂપિયાનો દારૂ વેચાયો હતો.

કોરોના સામેની લડાઈમાં દેશમાં ૪૦ દિવસથી લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારે શરૂ થયો હતો. જોકે, આ ત્રીજા તબક્કામાં દારૂની દુકાનોને ખોલવાની મંજૂરી અપાઈ હતી. ઉત્તર પ્રદેશમાં સોમવારે એક જ દિવસમાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો જ્યારે કર્ણાટકમાં આબકારી વિભાગે જણાવ્યું કે દારૂની દુકાનો ખોલ્યાના પહેલા જ દિવસે અંદાજે ૪૫ કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું.

ઉત્તર પ્રદેશમાં સોમવારે દારૂની ૨૬,૦૦૦થી વધુ દૂકાનો ખુલતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આબકારી વિભાગના અંદાજ મુજબ સોમવારે એક જ દિવસમાં રાજ્યમાં ૨૬૦૦૦થી વધુ દુકાનો પર અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હશે. રાજ્યમાં ૪૦ દિવસે દારૂની દુકાનો ખૂલતાં લોકો તૂટી પડયા હતા. એ જ રીતે દિલ્હીમાં પણ અંદાજે સવારે ૯.૦૦ કે ૧૦.૦૦ વાગ્યાની આજુબાજુ દારૂની દુકાનો ખુલી હતી, પરંતુ લોકોએ સવારે ૬.૦૦ વાગ્યાથી દુકાનોની બહાર લાઈન લગાવવાનું શરૂ કરી દેતાં ૨થી ૩ કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. અનેક જગ્યાએ દારૂની દુકાનો પર લોકોએ પડાપડી કરી લૉકડાઉનના નિયમોનો છડેચોક ભંગ કર્યો હતો. પરિણામે સરકારે થોડાક જ કલાકમાં દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપવો પડયો હતો. હરિયાણા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો લાગી હતી અને મોટી સંખ્યામાં લોકો દારૂ ખરીદવા ઉમટી પડયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.