નવી દિલ્હી/બેજિંગઃ કોરોના વાઈરસથી સર્વાધિક પ્રભાવિત ચીનના વુહાન શહેરથી શુક્રવારે ભારત લવાયેલા 112 લોકોના નમૂનાની પહેલીવાર તપાસ કરાઈ. આ તમામ નમૂના નેગેટિવ આવ્યા, જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, અમે 112 લોકોના નમૂના એઈમ્સમાં મોકલ્યાહતા. આ લોકોને દિલ્હીના છાવલા ક્ષેત્રમાં આઈટીબીપીના અલગ કેન્દ્રમાં રખાયા છે, જેમાં 76 ભારતીય અને 36 વિદેશી છે. બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીન બહાર એક દિવસમાં કોરોના વાઈરસના 1,027 નવા કેસ નોંધ્યા છે. આ સાથે ચીન બહાર કુલ 4,691 કેસ થઈ ગયા છે, જ્યારે વાઈરસથી 67ના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાઈરસ અત્યાર સુધી 51 દેશમાં પહોંચી ગયો છે. ચીનમાં મોતનો આંકડો 2,835 થઈ ગયો છે. આ વાઈરસથી ચીન પછી સૌથી વધુ દક્ષિણ કોરિયા પ્રભાવિત છે. અહીં શનિવારે 22 લોકોના મોત થયા હતા, જ્યારે કુલ 3,150ને ચેપ લાગ્યો છે.
કોરોના વાઈરસના કારણે વૈશ્વિક બજારો અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અમેરિકન શેર બજાર ડાઉ જોન્સમાં એક અઠવાડિયામાં જ 12%નો ઘટાડો થયો છે. તે 2008ની મંદી પછી સૌથી વધુ છે. તેનાથી દુનિયાના આશરે 500 સૌથી અમીર લોકોના કુલ રૂ. 32 લાખ કરોડ ડૂબી ગયા છે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ ઉને ઉચ્ચ અધિકારીઓને ધમકી આપતા કહ્યું છે કે, જો કોરોના વાઈરસ ઉત્તર કોરિયા પહોંચ્યો, તો અંજામ ભોગવવા તૈયાર રહેજો. આ દરમિયાન ઉત્તર કોરિયાએ કોરોના વાઈરસના ડરથી પોતાની સરહદો બંધ કરી દીધી છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલે આ વાતની પુષ્ટિ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.