ગુજરાતમા ચેક રીટર્નના કેસમાં વડોદરા BJPના કોર્પોરેટરને એક વર્ષની સજા

વડોદરામાં બિલ્ડીંગ કંસ્ટ્રકશનના ધંધામાં ઉછીના લીધેલા રૂ. 25 લાખ સામે આપેલો ચેક બેંકમાંથી પાછો ફરવાના કેસમાં શહેરના માંજલપુર વિસ્તારના બિલ્ડર અને ઈલેકશનવોર્ડ નં.18ના ભાજપી કાઉન્સીલર અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય કલ્પેશ પટેલ ઉર્ફે જયરણછોડને અદાલતે દોષીત ઠેરવ્યા છે અને 1 વર્ષની સજા ફટકારી છે. લ્હેણી પેટે બાકી નીકળતા રૂ. 25 લાખ બે મહિનામાં પરત ચુકવી આપવાનો આદેશ કર્યો હતો તેમજ આ હુકમને ઉપલી અદાલતમાં પડકારવા માટે કલ્પેશના વકીલે અરજી આપતા સજાના હુકમના અમલ સામે સ્ટેકરીને ૩૦ દિવસનો સમય આપ્યો છે.

શહેરના સમા સાવલીરોડ, ભાવના પાર્કસોસાયટીમાં રહેતા ઉપેન્દ્રભાઈ જવાહરભાઈ શાહ (ઉ.વ.47)એ તેમના વકીલ મારફતે બિલ્ડર કમમ્યુનિ. કાઉન્સીલર કલ્પેશ મનુભાઈ પટેલ ઉર્ફે જયરણછોડ (રહે, પુરષોત્તમ નગર, ભાથુજી મંદિર પાસે, માંજલપુર) સામે નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ 138 હેઠળ ચેક રીટર્નની ફરીયાદ નોંધાવી હતી.અને જે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, તેમના સગા નટવરલાલ છોટાભાઈ શાહ મારફતે બિલ્ડર કલ્પેશ પટેલ સાથે ગત જાન્યુઆરી 2016માં પરીચય થયો હતો. કલ્પેશે જણાવ્યુ હતુ કે નવો પ્રોજેકટ ચાલુ કર્યો છે તેમાં ઈનવેસ્ટ કરો, પ્રોજેક્ટ પુરો થયા પછી તમારી રકમ નફા સાથે ચુકવીશ, ઉપેન્દ્રભાઈ શાહે આ વાતમાં આવી જઈને જાન્યુઆરીથી સપ્ટેમ્બર-2016 સુધીમાં રોકડા રૂ.25 લાખ કલ્પેશ પટેલને ચુકવ્યા હતા.

આ રકમની વારંવાર ઉઘરાણી કરતાં કલ્પેશ પટેલે 2018માં ધી બરોડા સિટીકો.ઓ.બેંકનો રૂ. 25 લાખની રકમનો ચેક આપ્યો હતો. અને જે ચેક બેંકમાં જમા કરતાં કલ્પેશ પટેલના ખાતામાં અપુરતા નાણાં હોવાના કારણે ચેક પાછો ફર્યો હતો. જે સંદર્ભમાં ઉપેન્દ્રભાઈએ નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ 138 હેઠળ 2018માં કલ્પેશ મનુભાઈ પટેલ સામે કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા બંન્ને પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ આરોપી કલ્પેશ પટેલને કોર્ટે આજે દોષીત ઠેરવીને એક વર્ષની કેદ તથા ફરીયાદીને વળતર પેટે 2 મહિનામાં રૂ.25 લાખ ચુકવી દેવાનો ન્યાયાધીશ એન.પી. ઉનડકટે હુકમ કર્યો હતો. આ હુકમને ઉપલી અદાલતમાં પડકારવા માટે કલ્પેશ પટેલના વકીલે સમય માગતા એક માસ સુધી હુકમના અમલ સામે સ્ટે આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.