રાજકોટ પોલીસ પર કમિશનર પર આક્ષેપ થયા બાદ રાજકોટ પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે અને રાજકોટના કિસ્સા બાદ હવે અન્ય શહેરોના પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી હોય તેવું સામે આવી રહી છે. કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનના 84 જેટલા પોલીસ કર્મીઓની સામુહિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને એક સાથે 84 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરવામાં આવતા જ શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા પામી છે.
વડોદરા પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસો પહેલા જ ઇન્ટર્નલ વોચ કમિટીની રચના કરવામાં આવી છે અને ત્યારબાદ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓની સામૂહિક બદલી કરી હતી. ત્યારે હવે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષકથી લઈને ASI સુધીના 84 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનો હૂકમ કરવામાં આવ્યો છે અને વડોદરા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને લઇને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઇન્સ્પેકટરને ફરજ સોંપવામાં આવી છે
પોલીસબેડામાં એવી પણ ચર્ચા જાગી છે કે, રાવપુરા પોલીસ સ્ટેશન બાદ આવનારા દિવસોમાં શહેર પોલીસ કમિશનર દ્વારા કયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બદલીનો નંબર લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટના પોલીસ કમિશનર ભાજપના આગેવાનો દ્વારા કમિશન અને કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવી હતી અને તપાસ સમિતિએ તેના રિપોર્ટ બાદ રાજકોટ પોલીસ કમિશનરની જૂનાગઢમાં બદલી કરી દેવામાં આવી હતી અને આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના PI અને PSIને પણ અન્ય સ્થળ બદલી કરી દેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ બાદ હવે વડોદરા પોલીસ કમિશનર દ્વારા પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય તેવુ આ કિસ્સા પરથી લાગી રહ્યું છે. વડોદરા પોલીસ કમિશનરના આ ઈનસ્ટન્ટ એક્શનના કારણે પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અગાઉ અમરેલીના SP નિર્લિપ્ત રાય દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પણ આખા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓની સામુહિક બદલી કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.