વડતાલ મંદિરના ઘનશ્યામ શાસ્ત્રીને પદ પરથી હટાવી 2 વર્ષ માટે ભૂગર્ભમાં ધકેલ્યાની ચર્ચા

– સજાતીય સેક્સકાંડમાં સંડોવણી બહાર આવતા

– આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે વીડિયોમાં પૂર્વ કોઠારી કહેલાં અગ્રણી સંતો અને વહીવટી બોર્ડે તાત્કાલિક અસરથી ઉઠાડી મૂક્યા

 

સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય યાત્રાધામ વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે થયેલ સજાતીય સેક્સકાંડના આરોપોમાં આજે નવો વળાંક આવ્યો છે. સંપ્રદાયના અગ્રણી સંતો અને વહીવટી બોર્ડે તેમને કોઠારી પદેથી દૂર કરી દીધા હોવાની તથા તેમને બે વર્ષ સધી ભૂગર્ભવાસમાં ધકેલી દીધા હોવાની વાતો વહેતી થઇ છે.

વડતાલના કોઠારી અને પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ શિષ્ય વેદાંતવલ્લભે યૌન શોષણની ફરિયાદ કરતો અરેરાટી ભર્યો ૪૫ મિનીટનો વિડિયો ગઇકાલે વાયરલ કર્યો હતો. આ અગાઉ પણ ગત્ મહિને આ જ વેદાંતવલ્લભે ઘનશ્યામશાસ્ત્રીની પાપલીલાઓનો પર્દાફાશ કરતો ૩૨પાનનો એક પત્ર સંપ્રદાયના અગ્રણી સંતોને સંબોધીને લખ્યો હતો. પરંતુ આ પત્ર લખનાર અને વિડિયો વાયરલ કરનાર સંત પોતે ભૂગર્ભમાં સરી ગયા છે. આથી કુકર્મ આચરનાર ઘનશ્યામશાસ્ત્રી સામે કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરાઇ નથી. પરંતુ આજે મળતી માહિતી અનુસાર ઘનશ્યામશાસ્ત્રીને સંપ્રદાયના અગ્રણી સંતો તથા હોદ્દેદારોએ ભેગા મળીને કોઠારી પદ ઉપરથી તાત્કાલિક ઉતારી દીધા છે. કારણ કે સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે  ઘનશ્યામશાસ્ત્રી વિરુદ્ધ રજૂ કરેલ વિડિયોમાં તેમને પૂર્વ કોઠારી તરીકે સંબોધવામાં આવ્યા છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઘનશ્યામશાસ્ત્રીને કોઠારી પદેથી ઉતારી લીધા બાદ તેમને આગામી બે વર્ષ માટે કોઇપણ જાહેર સમારંભ અથવા સ્થળે નહીં ફરકવાના આદેશો થયા છે. એટલે કે તેમને તાત્કાલિક એકાંતવાસ કે ભૂગર્ભમાં ધકેલી દેવામાં આવ્યા છે.આ વાતની પુષ્ટિ એ રીતે પણ મળે છે કે છેલ્લાં બે મહિનાથી ઘનશ્યામશાસ્ત્રી ગુરુપૂર્ણિમા જેવા મોટા અવસરે પણ જાહેરમાં દેખાયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘનશ્યામશાસ્ત્રી સામે પોતાના શિષ્યો અને કુમળા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવાના ગંભીર આક્ષેપો થયા છે. તથા તે માટેની તપાસ કરવા પોલીસ અરજીઓ પણ થઇ છે. પરંતુ આક્ષેપ કરનાર તેમના શિષ્ય વેદાંતવલ્લભ ભૂગર્ભમાં સરકી ગયા છે અને તેમને જાતે આવીને કોઇ ફરિયાદ કરી નથી તે મતલબનું કારણ આગળ ધરીને સમગ્ર મામલો દબાવી રાખવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.