ગુજરાતમાં છ બેઠકો પર પેટાચૂંટણી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પર એવો આરોપ મૂક્યો છે કે, ગૃહમંત્રીની સૂચનાથી જ પોલીસની મદદથી દારૂની રેલમછેલ થઇ છે અને મતદારોને મતદાનની આગલી રાતે દારૂ વહેંચાયો છે. પેટાચૂંટણીમાં હાર ભાળી જતાં ભાજપે દારૂનો સહારો લેવો પડયો છે. ખુદ પોલીસ જ નહીં,રાજ્ય ચૂંટણીપંચ પણ મૌન બનીને આ તમાશો નિહાળી રહ્યું છે. કોંગ્રેસે એવો ય આક્ષેપ કર્યો છે કે, લુુણાવાડામાં તો ખુદ ભાજપના કાર્યકરોએ કમળવાળી થેલીઓમાં દારૂ વહેચ્યો હતો. હવે એ તો સમય આવે જ ખબર પડે કે કોંગ્રેસના આક્ષેપો સાચા છે કે ખોટા પણ હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરે એ જરૂરી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ટિપ્પણી બાદ ગુજરાતમાં જાણે દારૂબંધીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રીતસર રાજકીય દંગલ જામ્યુ હતું. ફરી પેટાચૂંટણી વખતે આ મામલે આક્ષેપો શરૂ થયાં છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આરોપ મૂક્યાં છે કે, ગૃહમંત્રીની સૂચનાને પગલે પેટાચૂંટણીમાં છડેચોક દારૂ વહેંચવામાં આવી રહ્યો છે. પોલીસ જ બુટલેગરોને ખુલ્લો દોર આપી દીધો છે. મહત્વની વાત તો એછેકે, રાજ્ય ચૂંટણીપંચ પણ નિષ્ક્રીય બનીને બેઠું છે. દારૂ વહેંચીને મતદારોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસે આ મામલે કાર્યવાહી કરવાને બદલે જેણે દારૂ પકડયો તેને ધમકાવ્યો હતો. કોંગ્રેસી નેતા મધુસુદન મિસ્ત્રીએ આ અંગે અરવલ્લી ડીવાયએસપીને રજૂઆત કરી હતી. લુણાવાડા મતવિસ્તારમાં તો ભાજપના કાર્યકરોએ કમળછાપ થેલીમાં જ દારૂ વહેચ્યો હતો. કોંગ્રેસે આ અંગે ફોટા સાથે પુરાવા પણ રજૂ કર્યા હતાં.અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, ભાજપે કમળવાળી થેલીઓમાં દારૂ વહેંચતા આ મામલે કોંગ્રેસ રાજ્ય ચૂંટણીપંચને ફરિયાદ કરશે.ચૂંટણીપંચે પણ નિષ્પક્ષપણે તપાસ કરીને પગલાં ભરવા જોઇએ. કોંગ્રેસે એવી માંગ કરી છે કે, પેટાચૂંટણી વખતે ખુદ પોલીસ જ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.