વલભીપુરમાં પાંચ ઈચ વરસાદ; નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા, મામલતદાર સહિતના ઘટના સ્થળે દોડી ગયા

.સિહોર અને મહુવામાં એક ઇંચ વરસાદ વરસ્યો, બોટાદ, ધંધુકામાં સવા ઈંચ વરસાદ, ઉમરાળા 3 ઇંચ વરસાદ

– ઘેલો નદીમાં ઘોડાપુર આવતા હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો

વલભીપુર પંથકમાં છેલ્લા ૪૮ કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ઘેલો નદીમાં ઘોડાપુર આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામેલ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા ચિફ ઓફિસર,મામલતદાર અને પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે ઘસી ગયા હતા.

વલભીપુર શહેર અને તાલુકાના ગામોમાં અંદાજીત પાંચેક ઈંચ વરસાદથી અને ઉપરવાસના ભારે વરસાદથી અત્રેની ઘેલો નદીમાં ભારે માત્રામાં પાણી આવ્યુ હતુ.જેથી શહેરના ખોડીયારનગર, ફુલવાડી, મફતનગર,સરદારનગર, દેવીપુજકવાસ અને બારપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તેમજ આ તાલુકાના અનેક ગામડાઓમાં નદીના પાણી ઘુસી જવા પામ્યા છે. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઘટના સ્થળે નિરિક્ષણ કર્યુ હતુ અને અસરગ્રસ્ત લોકો માટે જરૂર પડે સ્કુલમાં ભોજન સહિતની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે.અને હજુ પણ ઉપરવાસમાં જોરદાર વરસાદ શરૂ હોય જેને લઈને પચ્છેગામ,હળીયાદ અને કંથારીયા સહિતના આજુબાજુના ગામોમાં પુર આવેલ મામલતદાર સહિતના અસરગ્રસ્ત લોકોના સતત સંપર્કમાં છે અને શકય તમામ સહાય કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. સરદારનગરમાં સાંજના છના અરસામાં કુલ આઠ વ્યકિતઓ ફસાયા હોય પાલિકા તંત્ર દ્વારા વાહન ફેરવી તેઓને સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે. ભારે વરસાદના કારણે પચ્છેગામ અને હળીયાદ સહિતના ગામોમાં ભારે પુર આવ્યા હતા.

બોટાદની ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ

બોટાદમાં રવિવારે પવનના સુસવાટા સાથે આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો. ઉપરવાસના અને સ્થાનિક સારા વરસાદના કારણે ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવ્યા છે. ભાવનગર સર્કલ, નાગલપર દરવાજા, નવનાળા સહિતના વિસ્તારોમાં ઉતાવળી નદીના પાણી ફરી વળ્યા છે.બોટાદથી ભાવનગર, ગઢડા સહિતના શહેરો તરફ જવાનો માર્ગ મોડી સાંજે બંધ કરવામાં આવ્યો હતો. બોટાદમાં ૧૫૦ મી.મી., ગઢડામાં ૧૮૭ મી.મી., બરવાળામાં ૫૯ મી.મી., રાણપુરમાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

બોટાદ, ધંધુકામાં સવા ઈંચ વરસાદ

નવ વર્ષ બાદ ભાવસાગર ડેમ ઓવરફલો થતા લોકોમાં હર્ષ

ધંધુકા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે સવારે ૭ થી મોડી સાંજ સુધી સતત વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન સવા ઈંચ વરસાદ  જયારે સીઝનનો કુલ ૨૯ ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉમરાળાના રંઘોળામાં આવેલ ભાવસાગર ડેમ આઠથી નવ વર્ષ બાદ ઓવરફલો થતા રંઘોળા પંથકના લોકો હર્ષથી ઝુમી ઉઠયા હતા. અને ડેમના નીર જોવા માટે રંઘોળા તેમજ આજુબાજુના ગામોના લોકોની રવિવારે ભારે ભીડ જોવા મળી હતી.લાખાવાડ ગામ નં.૨ ના લોકોનું રંઘોળા ગામ હટાણાનું કેન્દ્ર રહ્યુ હોય આ ભાવસાગર ડેમ ઓવરફલો થતા હવે પછી તે ગામના લોકોને હવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમજ ડુંગર વિસ્તારમાં વાડી ખેતર આવેલા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડશે. કારણ કે, રંઘોળી નદી અત્યારે બે કાંઠે વહી રહી હોય ત્યારે ખેડૂતોને અને જોળ ગામના લોકોને પાંચ કિ.મી. ફરીને જવુ પડશે. તેથી જો રંઘોળી નદી ઉપર રંઘોળા અને લાખાવાડ નં.૨ (જોળ)ગામ વચ્ચે રંઘોળી નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવવામાં આવે તેવી ખેડુતોમાં અને ગ્રામજનોમાં માંગ ઉઠવા પામેલ છેે.

સિહોર અને મહુવામાં એક ઇંચ વરસાદ વરસ્યો , ઉમરાળા ૩ ઇંચ વરસાદ 

ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણામાં અડધો ઇંચ, ઘોઘા, તળાજામાં વરસાદી ઝાપટા : જેસરમાં વરસાદનો વિરામ

ભાદરવ માસમાં ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો અને આજે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતું. છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેથી જિલ્લામાં ચાલુ સીઝનનો કુલ ૯૭ ટકા આસપાસ વરસાદ નોંધાયો ગયો છે. સારો વરસાદ થતા લોકોને રાહત થઈ છે પરંતુ ખેતીના પાકને સતત વરસાદથી નુકશાન થવાની ભીતિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.