વરાછામાં જાલી નોટના ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ યુવાન ગોવાથી ઝડપાયો

અજયકુમાર 3 વર્ષથી ગોવાની કું.મા સિક્યુરીટી ગાર્ડ હતો : ફરાર થયા બાદ પાલીતાણાથી હરિદ્વાર જઈ આશ્રમમાં પાંચ વર્ષ સેવક રહ્યો

પાંચ વર્ષ સુધી ઘરે ગયો નહોતો, ચાર વર્ષ મુંબઈમાં વોચમેન તરીકે નોકરી કરી અને ગોવા રહેવા ગયા બાદ પત્નીને બોલાવી લીધી

વરાછામાં 13 વર્ષ પહેલા રૂ.1.91 લાખની જાલી નોટમાં પકડાયેલા આરોપીઓના વોન્ટેડ સાગરીતને ગોવાથી પકડી લેવાયો હતો. ફરાર થઈને પહેલા તે હરિદ્વારના આશ્રમમાં સેવક બન્યો બાદમાં મુંબઈ ગયો અને છેલ્લે ગોવામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2007 માં સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા રોડ ઈગલ મેડિકલ સ્ટોર પાસેથી રૂ.1,91,600 ના દરની રૂ.1000, રૂ.100 અને રૂ.50 ની બોગસ ચલણી નોટો સાથે આરોપીઓને ઝડપી પાડી તેમની પુછપરછના આધારે પાલીતાણાના પીપરડી ગામે છાપો મારી ઈશ્વર ઉર્ફે ભાભોને ઝડપી વધુ બોગસ નોટો કબ્જે કરી હતી. તેની પુછપરછમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અજયકુમાર કપિલદેવ બિંદ ( હાલ ઉ.વ.40 ) નું નામ ખુલતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સમયાંતરે તપાસ છતાં તેનો પત્તો મળ્યો નહતો. દરમિયાન, મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગોવાના વેરના ખાતે જઈ તેને ઝડપી લીધો હતો. તે ગોવામાં ભાડાના મકાનમાં રહી એક ફાર્મા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

અજયકુમારને સુરત લાવી પુછપરછમાં જાણવા મળ્યું કે તે પાલીતાણાથી ભાગીને સીધો હરિદ્વાર ગયો હતો અને ત્યાં એક આશ્રમમાં સેવક બનીને પાંચ વર્ષ રહ્યો હતો. પાંચ વર્ષ સુધી પોલીસની ઘરે અવરજવરને લીધે તે ક્યારેય ઘરે ગયો ન હતો. જોકે, હરિદ્વારથી તે મુંબઈ શિફ્ટ થયો ત્યારે એક વખત ઘરે ગયો હતો. ચાર વર્ષ મુંબઈમાં વોચમેનની નોકરી કરી તે સાડા ત્રણ વર્ષ અગાઉ ગોવા રહેવા ગયો ત્યારે પત્નીને પણ ત્યાં બોલાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે તેના એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ પી.એમ.વાળા કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.