વરસાદથી વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં પૂરની સ્થિતિ છે, વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ થયો છે, ત્યારે આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. હજુ પણ વરસાદની આગાહીને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.

1. વિશ્વામિત્રીની સપાટી ભયજનક

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો, વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી રહી છે. નદીના સતત વધી રહેલા જળ સ્તરે તંત્રની ચિંતા વધારી, શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ શરૂ કરાયું, નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અપીલ કરાઈ છે.

2. આજવા સરોવરની સપાટીમાં વધારો

આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે, આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ પહોંચી ગઈ છે, આજવા ડેમની કુલ સપાટી 211.25 ફૂટ છે. સરોવરની જળસપાટી વધતા છોડવામાં પાણી આવી રહ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું છે.

3. નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા સૂચના

આજવા સરોવરમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે, નદીમાં સતત વધતી પાણીની આવકથી તંત્રની ચિંતા વધી છે, તો નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

4. જામ્બુવા ગામે બ્રિજ પર ST બસ ફસાઈ

વડોદરામાં જામ્બુવા ગામમાં આવેલા બ્રિજ પર એસટી બસ ફસાઈ. ઢાઢર નદીનું પાણી બ્રીજ પર ફરી વળતાં બસ ફસાઈ હતી. ડ્રાઇવરે મુસાફર ભરેલી બસને ધસમસતા પાણીના પ્રવાહમાં નાખીને મુસાફરોના જીવને જોખમમાં મુક્યા હતા. બસ બંધ થતાં ડ્રાઇવરે મુસાફરોને નીચે ઉતારી ધક્કો મરાવ્યો. ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી મુસાફરોને ફરી બસમાં બેસાડી દેવાયા. પોલીસે જામ્બુવા નદી પરનો બ્રિજ બંધ કરાવી બંદોબસ્ત ગોઠવી દીધો.

5. ભારે વરસાદને પગલે ભરાયા પાણી

વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. કારેલીબાગ વિસ્તારના જલારામ નગરમાં પાણી ભરાતા જલારામ નગરના લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું. હજુ પણ વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. 100 મકાનોમાં પાણી ભરાતા લોકોએ મકાનો ખાલી કર્યા હતા.

6. વુડા સર્કલ પાસે ભૂવો પડ્યો

વડોદરા શહેરમાં ભારે વરસાદને લઈને વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો, શહેરમાં રાત્રે ભૂવો પડતાં વાહનચાલકો અટવાયા, મુખ્ય માર્ગ પર ભૂવો પડતાં તંત્રની કમગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.

7. વિશ્વામિત્રીના પાણી ગામમાં ઘૂસ્યા

આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં ઘૂસ્યા. સાવલીના પીલોલ ગામમાં કેડસમા પાણી ભરાયા. ખોખર, ઈન્દ્રાડ, અલીન્દ્રા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

8. ઉપરવાસમાં વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો

વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભયજનક સપાટી 26 ફૂટની છે. જ્યારે હાલ પાણીનો પ્રવાહ તેના કરતા 1 ફૂટ વધારે એટલે કે 27 ફૂટની સપાટીથી વહી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા ન ઊમટે તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો છે.

9. રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ

નદીમાં આવેલા પૂરના પાણી અકોટા ગામમાં ઘૂસી ગયા છે. દેવનગરમાં ઝૂંપડા બાંધી રહેતા લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો પાણીમાં ફસાયા હતા. GIDC ફાયર સ્ટેશનના અધિકારીઓએ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી. 20 લોકોને બોટની મદદથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા.

10. વડસર ગામે લોકોને પડી હાલાકી

વડોદરાના વડસર ગામે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કોટેશ્વર અને સમૃદ્ધિ સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટીની ચારેતરફ પાણી વળતા સ્થાનિકો ફસાઈ ગયા છે. NDRF ની ટીમ દ્વારા સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. NDRFની ટીમે અત્યાર સુધી 15 લોકોનું રેસ્ક્યું કર્યું છે.

11. દશરથ ગામે મલાઈ તળાવ ફાટ્યું

વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઈ તળાવ ફાટ્યું, તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા, 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થયા, ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયું કરાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.