વડોદરામાં ભજવાયા નાટકીય લગ્ન : લગ્નના ત્રીજા જ દિવસે પત્ની દાગીના લઈને ફરાર

કન્યાને પરણાવવાનો મેરેજ ડ્રામા ભજવીને વરરાજાના ખિસ્સા ખંખેરી લેવાનો અનોખો ખેલ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ  ચોંકી ઉઠયા હતા. વાત એવી હતી કે, થોડા સમય પહેલા કરચીયાના એક યુવકનું લગ્ન થયુ હતુ. લગ્ન કરનારો યુવક જાણતો ન હતો કે, તેનુ લગ્ન સાચુકલુ નહીં પરંતુ, એક ડ્રામાનો ભાગ છે. લગ્નના ત્રીજા દિવસે જ્યારે તેની પત્ની પિયરમાં જવાને બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ ત્યારે જ  તેને ખબર પડી કે, તે છેતરાયો છે.

પત્નીના પિયરમાં જઈને તપાસ કરતા પતિને જાણવા મળ્યુ કે, જેની સાથે તેનુ લગ્ન થયુ હતુ તે યુવતી અને તેના કહેવાતા પરિવારજનો નાટક મંડળી જેવુ કામ કરે છે. તેઓ મેરેજનો ડ્રામા રચે છે અને યુવકો સાથે છેતરપિંડી કરે છે. આ બનાવ અગે યુવકે જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કરચીયા ગામના બળદેવનગરમાં રહેતા આકાશ ગુડપ્પા કોળીએ જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ દિવાળીમાં મારા ઘરે કલર કરવા માટે અકબર નામનો શ્રમજીવી આવ્યો હતો. મેં તેને કહ્યુ હતુ કે, મારે લગ્ન કરવુ છે કોઈ છોકરી હોય તો કહેજે. તેણે મને કહ્યુ કે, કરચીયાના ઈન્દિરા નગરમાં રહેતા રામલાલ રાજપૂત નામનો વ્યક્તિ મેરેજ કરાવી આપે છે.

હું રામલાલને મળ્યો પણ તેણે મને કહ્યુ કે, આણંદના નવાખલનો મણીલાલ સોલંકી તારૂ લગ્ન કરાવી આપશે. હું મણીલાલને મળ્યો પણ તેણે કહ્યુ કે, હું તારૂ લગ્ન કરાવી આપુ પણ તારે રૂપિયા ૫૦,૦૦૦ આપવા પડશે. મેં તેને પચાસ હજાર રૂપિયા આપી દીધા. તે મને બોરસદ તાલુકાના રાસ ગામે લઈ ગયો. ગામના એકલવ્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તેણે મને અરવિંદ સોલંકીને મળાવ્યો અને સાથેસાથે સોનલ નામની યુવતીને પણ મળાવી.

લગ્નના બીજા જ દિવસે મને કહ્યુ કે, મારે લાખ રૂપિયાની જરૂર છે

સોનલને મારે ત્યાં છોડીને તેના સગાસંબંધીઓ પાછા ઘરે જતા રહ્યા. બીજા દિવસે મને સોનલના મામાનો ફોન આવ્યો. તેમણે મને કહ્યુ કે, તમે કીધેલુ એ પ્રમાણે એક લાખ રૂપિયા આપી જાવ. હું થોડી મુશ્કેલીમાં છું. મેં વાયદો કર્યો હતો એટલે હું તેમને એક લાખ રૂપિયા રોકડા આપી આવ્યો. બે દિવસ રહીને પાછો તેમનો ફોન આવ્યો. આ વખતે તેમણે મને કહ્યુ કે, મેં સોનલના લગ્ન માટે માતાજીની બાધા રાખી છે એટલે બાધા પૂરી કરવા સોનલને મોકલો. લગ્ન પછી સોનલ પહેલી વખત ઘરે જતી હતી એટલે મેં તેને સહર્ષ વિદાય આપી.

બાધા પૂરી કરવા સોનલને પિયર બોલાવી અને પાછી જ ના મોકલી

બે-ત્રણ દિવસ સુધી સોનલ પાછી ના આવી એટલે મેં તેના મામા અરવિંદભાઈને ફોન કર્યો. તેમણે મને જણાવ્યુ કે, અમારા સમાજનો રિવાજ છે કે, દીકરી પરણીને પહેલી વખત પિયરમાં આવે તો સવા મહિના પછી જ તેને પાછી મોકલવામાં આવે છે. આ ફોન કર્યાના બે-ત્રણ દિવસ પછી હું સોનલને મળવા માટે તેના પિયર ગયો. પરંતુ, ઘરના દરવાજે તાળુ હતુ. સોનલ અને તેના પરિવારજનો નહીં મળતા મેં આસપાસમાં તપાસ કરી.

ગામમાંથી મને જાણવા મળ્યુ કે, હકીકતમાં સોનલ અને તેના કહેવાતા મામા અરવિંદભાઈ નાટક મંડળી જેવુ કામ કરે છે. આ એવા કલાકારો છે કે, લગ્નના નામે ભલભલા છેતરાઈ જાય છે. અત્યાર સુધીમાં અનેક લોકો સાથે સોનલે લગ્ન કર્યા છે અને લગ્નના બે-ત્રણ દિવસમાં જ સાસરીમાંથી મળેલા દાગીના, રોકડ રકમ લઈને તે ભાગી જાય છે.

સોનલને જોઈને હું મોહિત થઈ ગયો, મારે તેની સાથે લગ્ન કરવા હતા

હું સોનલને જોઈને મોહિત થઈ ગયો. મારે તેની સાથે લગ્ન કરવા હતા. અરવિંદ કહેતો હતો કે, સોનલ તેની ભાણી છે અને તેના માતા-પિતા નથી. સોનલ અને તેનો ભાઈ ધર્મેન્દ્ર મારી સાથે જ રહે છે. સોનલના કહેવાતા મામા અરવિંદે મને એમ પણ કહ્યુ કે, સોનલના પિતાની જમીન છે જેને છોડાવવા માટે એકલાખ રૂપિયા ભરવાના છે એટલે તમે આપજો. હું એક લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો. આખરે, ૩૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ મારા અને સોનલના લગ્ન નક્કી કરવામાં આવ્યા. સોનલની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે મેં લગ્ન વિધી મારા ઘરે જ રાખી

અમારે સાદાઈથી લગ્ન કરવાના હતા. સોનલને પરણાવવા માટે તેના મામા અરવિંદભાઈ, મામી પારૂલ, તેનો ભાઈ ધર્મેન્દ્ર, પરેશ ઉર્ફે સોમો, રામલાલ અને મણીલાલ સહિતના લોકો અમારે ત્યાં આવ્યા. બંને પક્ષના લોકોએ ભેગા મળીને મારૂ તથા સોનલનું લગ્ન કરાવી દીધુ. સોનલની વિદાયના સમયે તેના મામા,ભાઈ, મામી અને બીજા લોકો ખૂબ રડયા હતા. હું એવુ માનતો હતો કે, દીકરીની વિદાયનો પ્રસંગ છે એટલે સ્વાભાવિક છે કે, બધાની આંખમાં આંસુ હોય.

ફિલ્મોમાં ભજવાતા મેરેજ સીન જેવો જ મેરેજ ડ્રામા રચ્યો હતો

સોનલના લગ્નમાં સામેલ થતા લોકો પણ નાટક કંપનીના કલાકારો જેવા ે જ છે. ઉપરોક્ત બાબતની જાણ થતા જ આકાશ કોળીએ જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આકાશે ફરિયાદમાં નોંધાવ્યુ હતુ કે, સોનલ નામની યુવતીએ તેની સાથે લગ્નનું નાટક રચીને તેણે આપેલો મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર અને બીજા દાગીના લઈ ફરાર થઈ ગઈ છે. પોલીસે ફરિયાદને આધારે પરેશ ઉર્ફે સોમો પંચાલ

(રહે. કનકાપુરા, બોરસદ), અરવિંદ સોલંકી (રહે. બોરસદ), અરવિંદની પત્ની પારૂલ, ધર્મેન્દ્ર ઉર્ફે લાલો, મણીલાલ (રહે. નવાખલ, આંકલાવ), સોનલ (રહે. ડાભાસી, બોરસદ) સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.